આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટના મુજબ 27 માર્ચના રોજ આણંદના લક્ષ્મી ચાર રસ્તા પાસે પાર્ક કરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક (નં. GJ-07-BG-9703) અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની માહિતીના આધારે તપાસ આગળ વધારી આરોપી સૌરભકુમાર અવિનાશચંદ્ર ઝાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલી બાઈક રૂપિયા 35,000ની કિંમત સાથે જપ્ત કરવામાં આવી છે.
આ કામગીરીમાં સર્વેલન્સ સ્કોડ અને પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનાની વધુ તપાસ ચાલુ રાખી છે.