આણંદમાં ₹5 કરોડના ખર્ચે બનશે આધુનિક લાયબ્રેરી, વિદ્યાર્થીઓ-વાંચકો માટે મોટી સુવિધા

આણંદમાં ₹5 કરોડના ખર્ચે બનશે આધુનિક લાયબ્રેરી, વિદ્યાર્થીઓ-વાંચકો માટે મોટી સુવિધા

આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદ સહિતનો વિસ્તાર શિક્ષણનગરી તરીકે ઓળખાય છે. આ સમગ્ર વિસ્તારમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે જ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો અને વાંચનપ્રેમીઓ પણ વસવાટ કરે છે. તેમ છતાં લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને વાંચકો માટે પૂરતી ક્ષમતા તથા આધુનિક સુવિધાઓ ધરાવતી મોટી લાયબ્રેરીનો અભાવ જોવા મળી રહ્યો છે.

હાલમાં ઉપલબ્ધ લાયબ્રેરીની ક્ષમતા ઓછી હોવાથી વિદ્યાર્થીઓ અને વાંચકોને અભ્યાસ તથા વાંચન માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શાંત અને સુવિધાયુક્ત અભ્યાસ સ્થળની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹5 કરોડના ખર્ચે આધુનિક લાયબ્રેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લાયબ્રેરીનું નિર્માણ આણંદ સહિત આસપાસના ચારેય ગામોના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહે તેવા મધ્યવર્તી સ્થળે કરવામાં આવશે.

નવી લાયબ્રેરીમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. જેમાં ઈ-બુક્સ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, વિશાળ રીડિંગ હોલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો સહિતની સુવિધાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી અભ્યાસ કરી શકે તેવું અનુકૂળ વાતાવરણ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.

જૂની લાયબ્રેરીના રિનોવેશનનું શું થયું?

બીજી તરફ, આણંદ શહેરમાં આવેલી જૂની લાયબ્રેરીને રિનોવેશનના નામે ખસેડવામાં આવ્યા બાદ હજુ સુધી કામગીરી આગળ વધી નથી. જેના કારણે હાલ વિદ્યાર્થીઓ અને વાંચકોને લાયબ્રેરીની સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે મનપા દ્વારા નવી લાયબ્રેરી બનાવવાની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓમાં આશા જાગી છે. જોકે, નવી લાયબ્રેરીનું કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તે અંગે સ્પષ્ટ સમયમર્યાદા સામે આવે તે પણ મહત્વનું રહેશે.

નવી લાયબ્રેરી કાર્યરત થયા બાદ આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધા મળશે અને સિનિયર સિટીઝનો તથા અન્ય વાંચનપ્રેમીઓ માટે પણ એક આધુનિક વાંચન કેન્દ્ર ઉપલબ્ધ બનશે.