આણંદ-વિદ્યાનગર રોડ પર મનપાની કિંમતી જમીન... અને આયોજનના નામે લાખો રૂપિયાનો ખર્ચ!
વર્ષો પહેલાં અહીંનું જૂનું સીટી બસ સ્ટેશન તોડી પાડવામાં આવ્યું હતું.
હેતુ હતો—મોટું કોમર્શિયલ સંકુલ બનાવવાનો.
પરંતુ શાસકો વચ્ચેની અંદરોઅંદરની ખેંચતાણના કારણે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં.
હવે મનપા બન્યા બાદ આ જ જગ્યાનો ઉપયોગ કરવા માટે ખાણીપીણીના ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરાયું.
મનપાએ અહીં 5 લાખ રૂપિયાથી વધુના ખર્ચે ફૂડ સ્ટોલ પણ તૈયાર કરી દીધા.
પરંતુ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં જ સ્થાનિક રહીશોનો વિરોધ સામે આવ્યો.
રહીશોનું કહેવું છે કે અહીંથી 5 જેટલી સોસાયટીઓને જોડતો માર્ગ પસાર થાય છે.
જો ફૂડ સ્ટોલ શરૂ થશે તો લોકોની અવરજવર વધશે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે.
વિરોધ બાદ મનપાએ આખરે ફૂડ સ્ટોલ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો.
સવાલ હવે એ છે કે—
સ્થળની સ્થિતિ અને સ્થાનિકોની સમસ્યા જાણ્યા વગર લાખો રૂપિયાનો ખર્ચ શા માટે કરવામાં આવ્યો?
આ જમીનનો અગાઉનો કરાર પણ 2015માં પૂર્ણ થઈ ગયો હતો, છતાં વર્ષો વીતી ગયા બાદ પણ આ કિંમતી જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી.
પહેલા કોમર્શિયલ સંકુલનું આયોજન અધવચ્ચે અટક્યું...
અને હવે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ફૂડ સ્ટોલનો પ્રોજેક્ટ પણ અટકી ગયો!
તો શું મનપાનું આયોજન શરૂ કરતાં પહેલાં પૂરતો હોમવર્ક કરવામાં આવતો નથી?
અને જો નિર્ણય જ પાછો ખેંચવાનો હોય, તો પ્રજાના નાણાંનો આ ખર્ચ કોની જવાબદારી?
આણંદ-વિદ્યાનગરની આ કિંમતી જમીનનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થશે,
એ હવે મોટો સવાલ છે.