આણંદ, મંગળવાર:આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં વિદ્યાપથ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
'નિપુણ ભારત' મિશનને સફળ બનાવવા માટે અને ‘’વિદ્યાપથ’ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ઉનાળુ વેકેશન - ૨૦૨૬ દરમિયાન પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડનાં 111 વિદ્યાર્થીઓ માટે FLN (Foundational Literacy and Numeracy - પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન) વર્કશોપમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ. અર્ચનાબેન પ્રજાપતિનાં હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ શાળા સાથે જોડાઈ રહે અને શૈક્ષણિક રીતે વધુ સજ્જ બને તે માટેના શાળાના પ્રયત્નોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ બિરદાવ્યા હતા. આ પ્રસંગે તેમણે વાલીઓને આહ્વાન કર્યું કે વિદ્યાર્થીઓને વેકેશનમાં શાળામાં મોકલજો અને તેમનો શિક્ષણિક પાયો મજબૂત કરવામાં સહકાર આપશો તેમ જણાવી પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે નીવન પહેલ કરેલ છે, જે શાળાના શૈક્ષણિક વિકાસને વધુ વેગ આપશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ જણાવ્યું હતું.
આ ‘વિદ્યાપથ’ પ્રોજકટ અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષક શ્રી હિરેનભાઈ મેકવાન દ્વારા એફ. એલ. એન. વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ ત્રણ કલાકનું સઘન શિક્ષણ : દરરોજ સવારે 8:00 થી 11:00 દરમિયાન વાંચન-લેખન અને ગણન માટેના સમયની ફાળવણી તથા વિવિધ પ્રકારના સાહિત્ય અને આધુનિક પ્રયુક્તિઓ થકી શિક્ષણ આપવાનો શાળા દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આણંદ તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનમાં વૃધ્ધિ કરવા માટે વેકેશન દરમિયાન બાળકો શિક્ષણ સાથે જોડાઈ રહે અને પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે હેતુથી ઉનાળુ વેકેશન 2026 માં ‘એફ. એલ. એન. વર્કશોપ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં વાંચન-લેખન અને ગણનના કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
શાળાના મુખ્ય શિક્ષક શ્રીએ જણાવ્યું હતું કે શાળાના 111 વિદ્યાર્થીઓને નિશુલ્ક એફ. એલ. એન. શિક્ષણ મળશે. 35 દિવસના ઉનાળુ વેકેશન 2026 માં શાળાના કુલ 111 વિદ્યાર્થીઓ દરરોજ શાળામાં સવારે 8:00 થી 11:00 ના સમયમાં આવશે અને વાંચન-લેખન અને ગણનનો અભ્યાસ કરશે. શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દરરોજ શાળામાં આવશે અને એફ. એલ. એન. માં 40 ટકા કરતાં નબળા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવુત્તિઓ – પધ્ધતિઓ અને રમતા રમતા શિક્ષણ આપીને સજ્જ કરશે.
સ્વેચ્છિક અને સમુદાય આધારિત સેવાના અભિગમ થકી ગામના સમયદાતા શિક્ષક દ્વારા સ્વેચ્છાએ વિદ્યાર્થીઓને એફ. એલ. એન. માં તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
એફ. એલ. એન. વર્કશોપમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ચોપડા અને પેનની ભેટ શાળાના શિક્ષિકા શ્રી શિલ્પાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીઓ, ગામ આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.