આણંદ: રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલીકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ અન્વયે આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા) તથા ૬ (છ) નગરપાલિકાઓ (બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા, તારાપુર)ની સામાન્ય ચુંટણી અંતર્ગત તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે.
મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઈએ તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાનના દિવસે રાજય ચૂંટણી પંચ, ગાંધીનગર દ્વારા માન્ય થયેલ મતદાન મથકોના સંદર્ભે કેટલાક હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિના મત માટે પ્રચાર કરવા પર, મતદારોને ધાકધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવા પર, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા પર, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને સંદેશાવ્યવહાર કે રેકોર્ડીંગ થઈ શકે તેવા અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા કે વાહનો સાથે આવવા સહિતના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામાં મુજબ જે તે મતદાન મથકમાં ફકત મતદાર, મતદાન સાથે સંકળાયેલ સરકારી કર્મચારીઓ/અધિકારીશ્રી, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિતઓ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારનો એક મતદાર એજન્ટ, સ્ત્રી મતદારે તેડેલું બાળક, અંધ, અશકત ઉમેદંવારનો સાથી સિવાયની અન્ય વ્યકિત કે જેને ચૂંટણી અધિકારીશ્રી અથવા પ્રિસાઈડીંગ ઓફિસરે નિયુકત કર્યા હોય તેવી વ્યકિતઓ જ પ્રવેશી શકશે.
વધુમાં મતદાન મથકની ૨૦૦ મીટર દુર ઉમેદવાર દ્વારા ઉભા કરવામાં આવેલા બુથ ઉપરથી અથવા ઉમેદવાર તરફથી જે કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઈપણ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઈ લખાણ હોવું જોઈએ નહી. કોઈપણ મતદાર કે વ્યકિત મતદાન મથકની ૨૦૦ મીટરની હદમાં આવી કોઈ કાપલી કે જેમાં ઉમેદવારનું નામ, પ્રતિક કે સંજ્ઞાનું લખાણ હોય તે લઈ પ્રવેશી શકશે નહી. તેમજ મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રચાર અંગેનું કોઈપણ સાહિત્ય, બેનર, કટઆઉટ, પોસ્ટર રાખી શકશે નહી તથા મતદાનના સમય દરમ્યાન મતદાન એજન્ટો મતદાર યાદીની નકલ મતદાન મથકની બહાર લઈને જઈ શકશે નહી.
આ હુકમ ચૂંટણી હેઠળના જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત તથા મહાનગરપાલિકા / નગરપાલિક, વિસ્તારના મુકરર થયેલ મતદાન મથકોને લાગુ પડશે. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
જે તે મતદાન મથકો ઉપર ચૂંટણી ફરજ બજાવવા માટે તેમજ ચૂંટણી સંચાલનની પ્રક્રિયા માટે નીમાયેલ સરકારી કર્મચારી કે અધિકારીશ્રીને આ હુકમથી મુકવામાં આવેલ પ્રતિબંધ લાગુ પડશે નહીં.