આણંદ શહેરના સરદારગંજ બજારમાં ડુપ્લિકેટ સિગારેટના વેચાણનો મામલો સામે આવ્યો છે. આણંદ એસઓજીની ટીમે બાતમીના આધારે નવદુર્ગા સેલ્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અંદાજે રૂ.35 હજારની કિંમતનો ડુપ્લિકેટ ગોલ્ડફ્લેક સિગારેટનો જથ્થો મળી આવતા પોલીસે દુકાનના સંચાલકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, ઇન્ડિયન ટોબેકો કંપની (ITC) લિમિટેડ તરફથી ડુપ્લિકેટ પ્રોડક્ટ અને ટ્રેડમાર્કના ભંગ સામે કાર્યવાહી માટે અધિકૃત વ્યક્તિએ આણંદ શહેરમાં ડુપ્લિકેટ ગોલ્ડફ્લેક સિગારેટનું વેચાણ થતું હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ આણંદ એસઓજીની મદદથી સરદારગંજ સ્થિત નવદુર્ગા સેલ્સમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન દુકાનમાંથી રૂ.35 હજારની કિંમતનો ડુપ્લિકેટ ગોલ્ડફ્લેક સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દુકાનના માલિક જિતેન્દ્ર ઉર્ફે જીતુ વાસુદેવ મોરદાની, રહે. રાધાસ્વામી બંગ્લો, ડી.ઝેડ. પટેલ સ્કૂલ પાછળ, આણંદની અટકાયત કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન જિતેન્દ્ર મોરદાનીએ આ સિગારેટનો જથ્થો પેટલાદમાં રહેતા નરેશ અને તેના માણસો દ્વારા આપવામાં આવતો હોવાની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે દુકાનદાર જિતેન્દ્ર મોરદાની સહિત પેટલાદના નરેશ અને તેના માણસો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ડુપ્લિકેટ સિગારેટનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેના વિતરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.