આણંદ SOG ઓફિસ બહાર ₹2 લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો, કારમાંથી મળ્યા ₹49 લાખ રોકડા; PSI હજુ વોન્ટેડ

આણંદ SOG ઓફિસ બહાર ₹2 લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો, કારમાંથી મળ્યા ₹49 લાખ રોકડા; PSI હજુ વોન્ટેડ

આણંદ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરની SOG કચેરીના દરવાજા પાસેથી અમદાવાદ ACBની ટીમે છટકું ગોઠવી PSI વતી રૂ.2 લાખની લાંચ સ્વીકારતા વચેટીયાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી જે કારમાં બેઠો હતો તેમાંથી રૂ.49 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી. હાલ આ સમગ્ર લાંચ પ્રકરણની તપાસ આણંદ ACB દ્વારા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિના સંબંધમાં ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ બેંક એકાઉન્ટ ફરી શરૂ કરાવવા તેમજ તેની સામે કાયદેસરની ધરપકડની કાર્યવાહી ન કરવા માટે PSI વી.એન. રાઠોડે વિદ્યાર્થી પાસે રૂ.2 લાખની લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ છે.

વિદ્યાર્થી લાંચ આપવા ઇચ્છતો ન હોવાથી તેણે અમદાવાદ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુરુવારે બપોરે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન PSI વી.એન. રાઠોડ વતી વચેટીયા તરીકે કામ કરતા દિલીપ ઉર્ફે દિપુ ભીખા પટેલે વિદ્યાર્થીને આણંદ SOG કચેરીની બહાર પાર્ક કરેલી કારમાં બોલાવ્યો હતો.

કારમાં જ રૂ.2 લાખની લાંચ સ્વીકારતા અમદાવાદ ACBની ટીમે દિલીપ ઉર્ફે દિપુ પટેલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જોકે, જે સમયે આ કાર્યવાહી થઈ ત્યારે PSI વી.એન. રાઠોડ કોર્ટમાં ગયા હોવાથી તેમની ધરપકડ થઈ શકી નહોતી. હાલ PSI વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.

કારમાંથી મળેલા રૂ.49 લાખે તપાસના અનેક સવાલો ઊભા કર્યા

લાંચના છટકા દરમિયાન વચેટીયાની કારમાંથી રૂ.49 લાખની રોકડ મળી આવતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને તેનો સ્ત્રોત શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

શુક્રવારે આણંદ ACBની ટીમે આરોપી દિલીપ ઉર્ફે દિપુ પટેલને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ખેડૂત છે અને તેણે પોતાની જમીન વેચી હોવાથી રૂ.49 લાખની રોકડ રકમ મળી આવી છે. જોકે, આ દાવાની સત્યતા ચકાસવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કોલ ડિટેઈલ અને બેંક વ્યવહારોની પણ થશે તપાસ

તપાસ દરમિયાન આરોપીના કેટલાક PSI, PI તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંપર્કો હોવાની આશંકાને પગલે તેના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) અને બેંક વ્યવહારોની તપાસ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રૂ.49 લાખની રોકડના સ્ત્રોત અને લાંચ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવશે.

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે કોર્ટ સમક્ષ અલગ-અલગ દલીલો અને તપાસના મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપી દિલીપ ઉર્ફે દિપુ પટેલના આગામી 3 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલ આ સમગ્ર પ્રકરણમાં વચેટીયાની પૂછપરછ દરમિયાન શું નવા ખુલાસા થાય છે, રૂ.49 લાખની રોકડનું રહસ્ય શું છે અને વોન્ટેડ PSI વી.એન. રાઠોડ ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું.