કચરાના ઢગલા… એ જ જગ્યાએ હવે દેખાશે હરિયાળી!
આણંદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસમાં મનપાએ હવે કચરાને જ કાચા માલમાં ફેરવવાનું અભિયાન શરૂ કર્યું છે.
છેલ્લા એક મહિનામાં આણંદ શહેર સહિત આસપાસના 24 ગામોમાંથી કુલ 8,264 ટન કચરો એકત્ર કરવામાં આવ્યો છે.
આ કચરાનો ખુલ્લામાં નિકાલ કરવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું છે.
આમાંથી આશરે 2 હજાર ટન જૈવિક કચરામાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે પ્લાસ્ટિક, લોખંડ સહિતની સામગ્રીને અલગ કરીને રિસાયક્લિંગ કરવામાં આવી રહી છે. મોટાભાગના બાકી કચરાને સિમેન્ટ ફેક્ટરીમાં મોકલવામાં આવે છે.
આણંદમાં સૌથી મોટી સમસ્યા ગણાતા Garbage Vulnerable Points પર પણ મનપાએ ફોકસ કર્યું છે.
અત્યાર સુધીમાં 6 મુખ્ય સ્થળોએથી કચરાના ઢગલા હટાવીને ત્યાં પ્લાન્ટેશન અને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. એટલે જ્યાં પહેલાં કચરો દેખાતો હતો, ત્યાં હવે શહેરને સુંદર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
જોકે મનપાની નજરે હજુ 13 કચરા હોટસ્પોટ આવ્યા છે. આ સ્થળોએ પણ પ્લાન્ટેશન, કલરફુલ પેઇન્ટિંગ અને સૌંદર્યીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અને આ અભિયાન માત્ર આણંદ શહેર પૂરતું સીમિત નથી.
આણંદ તાલુકાના આસપાસના 24 ગામોમાંથી આવતો આશરે 1,300 ટન કચરો પણ આ સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યો છે.
હવે મનપાની અપીલ છે કે કચરો ઘરમાંથી જ ચાર ભાગમાં અલગ કરો—સૂકો કચરો, ભીનો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર વેસ્ટ.
સાથે જ જાહેર રસ્તા કે ખુલ્લી જગ્યાએ કચરો ફેંકવાને બદલે ડોર-ટુ-ડોર કચરા ગાડીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેરમાં સતત કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પણ મનપાએ ચેતવણી આપી છે.
એટલે હવે આણંદમાં ફોકસ માત્ર કચરો ઉપાડવા પર નહીં… પરંતુ કચરામાંથી ખાતર, રિસાયક્લિંગ અને સુંદરતા ઊભી કરવા પર છે.
કચરો નહીં… કચરામાંથી સંસાધન — આણંદને ‘વેસ્ટ ટુ વન્ડર’ તરફ લઈ જવાનો મનપાનો પ્રયાસ!