આણંદ શહેરના વિકાસ માટે 100 કરોડથી વધુના કામોનું આયોજન... હવે શહેરમાં શું-શું બદલાશે?
કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટે વર્ષ 2026-27માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ છે. અને હવે આ રકમથી શહેરમાં અનેક મોટા વિકાસ કામો હાથ ધરવાની તૈયારી છે.
આઉટગ્રોથ વિસ્તારોના કામો માટે આશરે 15 કરોડ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 6 કરોડ, આંતરમાળખાકીય સુવિધાઓ માટે 62 કરોડ અને આઇકોનિક રોડ માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારની જોગવાઈ પ્રમાણે અગાઉના બાકી કામો સહિત 100 કરોડથી વધુના વિકાસકાર્યોનું આયોજન તૈયાર કરી સરકારની મંજૂરી માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે.
હવે શહેરની ઓળખ સાથે જોડાયેલો એક મોટો ફેરફાર પણ થશે.
સરદાર પટેલ રાજમાર્ગ પરનું ‘પ્રાપ્તિ સર્કલ’ હવે ‘સેવા જ્યોતિ સર્કલ’ તરીકે ઓળખાશે.
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એપીસી સર્કલ પર નવો બ્રિજ બનાવાશે. ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા બાદ આશરે ₹31.33 કરોડના ખર્ચે કામ સોંપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સ્વચ્છતા અને જાહેર સુવિધાની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન હેઠળ ₹3.20 કરોડના ખર્ચે 20 પ્રિ-ફેબ્રિકેટેડ કોમ્યુનિટી અને પબ્લિક ટોઇલેટ બનાવાશે, જેમાં કુલ 200 શીટ હશે. ડ્રેનેજ અને પાણીની સુવિધા સાથે સુધારેલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.
બીજી તરફ ટીપી-10માં ₹5.86 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્વિમિંગ પૂલને હવે કાર્યરત કરવાની તૈયારી છે અને તેના ઓપરેશન-મેન્ટેનન્સ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.
લાંભવેલ, ગામડી, જીટોડીયા અને મોગરી જેવા નવા ભળેલા વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા મજબૂત કરવા ₹30 લાખના ખર્ચે બે નવા ટ્રેક્ટર ફ્રન્ટ ડોઝર ખરીદાશે.
અને સફાઈ કર્મચારીઓ માટે પણ મહત્વની જાહેરાત છે—‘નિર્મળ ગુજરાત 2.0’ હેઠળ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને દર મહિને ₹10 હજારની સહાય આપી સન્માનિત કરવામાં આવશે.
એટલે હવે નજર રહેશે કે કરોડોની આ જોગવાઈમાંથી કયા કામો ક્યારે જમીન પર ઉતરે છે અને આણંદ શહેરના વિકાસનો આ પ્લાન વાસ્તવિકતામાં કેટલો બદલાવ લાવે છે.