આણંદ રેલવે સ્ટેશન વિસ્તારમાં રિક્ષાઓના અડિંગાથી ટ્રાફિક સમસ્યા, ડિવાયએસપી કચેરી બહાર જ અવ્યવસ્થા

આણંદ રેલવે સ્ટેશન વિસ્તારમાં રિક્ષાઓના અડિંગાથી ટ્રાફિક સમસ્યા, ડિવાયએસપી કચેરી બહાર જ અવ્યવસ્થા

આણંદ: આણંદ શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર જેવા વ્યસ્ત વિસ્તારમાં રિક્ષાઓના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી હોવાની ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને ડિવાયએસપી કચેરીની બહાર જ રિક્ષાઓની લાઇનો લાગતી હોવાના કારણે એસ.ટી. બસ સહિત અન્ય વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

રિક્ષાચાલકો દ્વારા રસ્તાની બાજુમાં અને કચેરીની બહાર વાહનો ઊભા રાખવામાં આવતા રસ્તો સાંકડો બની જાય છે. પરિણામે પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

ડિવાયએસપી કચેરી બહાર પણ રિક્ષાઓનો અડિંગો

સૌથી મહત્વની વાત એ છે કે જે વિસ્તારમાં પોલીસ અધિકારીની કચેરી આવેલી છે, ત્યાં જ રિક્ષાઓ આડેધડ ઊભી રહેતી હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા લોકોના વાહનોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ છે.

રેલવે સ્ટેશન તરફથી આવતા એસ.ટી. બસો અને અન્ય વાહનો આ વિસ્તારમાંથી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે.

શહેરમાં 1200થી વધુ રિક્ષાઓ, પરંતુ નિયત સ્ટેન્ડનો અભાવ

આણંદ શહેરમાં સિટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી જાહેર પરિવહન માટે રિક્ષા પર મોટી સંખ્યામાં લોકો નિર્ભર છે. શહેરમાં 1200થી વધુ રિક્ષાઓ દોડતી હોવાનો અંદાજ છે.

જોકે, રિક્ષાચાલકો માટે પૂરતા અને યોગ્ય રીતે નિર્ધારિત સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક સ્થળોએ રિક્ષાઓ રસ્તા પર જ ઊભી રાખવામાં આવે છે. આણંદ રેલવે સ્ટેશન સામે ડિવાયએસપી કચેરીની બહાર પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે.

રિક્ષા હટાવવાનું કહેતાં બોલાચાલીના આક્ષેપ

સ્થાનિક સ્તરે એવી પણ ફરિયાદો છે કે રિક્ષાને સાઇડમાં લેવા અથવા રસ્તો ખાલી કરવા કહેવામાં આવે ત્યારે કેટલાક રિક્ષાચાલકો સાથે બોલાચાલી થતી હોવાના બનાવો સામે આવ્યા છે.

તાજેતરમાં પણ એક વ્યક્તિ દ્વારા રિક્ષાચાલકને વાહન સાઇડમાં લેવા જણાવતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ તે મામલો શહેર પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તંત્રની કામગીરી સામે સવાલ

રિક્ષાઓના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ માટે પૂરતી કાર્યવાહી થઈ રહી છે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

હવે સવાલ એ છે કે રિક્ષાચાલકો માટે યોગ્ય સ્ટેન્ડ નક્કી કરવામાં આવશે? રેલવે સ્ટેશન અને ડિવાયએસપી કચેરી બહારનું ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવામાં આવશે? અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે?

આણંદના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સંકલિત કાર્યવાહી કરવાની જરૂરિયાત હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.