આશરે ₹65 કરોડના ખર્ચે આણંદ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ હાથ ધરાયું; આગામી સમયમાં અન્ય પ્લેટફોર્મ પણ લાંબા કરાશે
આણંદ: આણંદના 125 વર્ષ જૂના રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી વચ્ચે મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ નંબર-1ને 600 મીટર લાંબું બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેશન પરથી દરરોજ 180થી વધુ ટ્રેનોની અવરજવર થતી હોવાથી લાંબા અંતરની અને વધુ કોચ ધરાવતી ટ્રેનોના સંચાલન દરમિયાન પ્લેટફોર્મની લંબાઈનો પ્રશ્ન ઊભો થતો હતો. હવે નવા વિસ્તૃત પ્લેટફોર્મથી લાંબી ટ્રેનોના મુસાફરોને રાહત મળવાની આશા છે.
24 કોચની ટ્રેનો માટે પ્લેટફોર્મની લંબાઈ વધારવાની કામગીરી
આણંદ રેલવે સ્ટેશન જૂનું હોવાથી અહીંનાં પ્લેટફોર્મની લંબાઈ લાંબી ટ્રેનોની જરૂરિયાત પ્રમાણે ઓછી પડતી હતી. ખાસ કરીને વંદે ભારત સહિતની 24 કોચ ધરાવતી ટ્રેનોના સંદર્ભમાં પ્લેટફોર્મની લંબાઈ મહત્વપૂર્ણ બની છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર-1ને 600 મીટર લાંબું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી લાંબી ટ્રેનોને પ્લેટફોર્મ પર ઊભી રાખવાની વ્યવસ્થા થઈ શકે.
પ્લેટફોર્મ નંબર-4 પર ટ્રેન પકડવામાં મુસાફરોને પડતી હતી મુશ્કેલી
અગાઉ અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને રાજસ્થાન તરફ જતી અનેક ટ્રેનો પ્લેટફોર્મ નંબર-4 પર ઊભી રહેતી હતી. તેના કારણે મુસાફરોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સામાન સાથે મુસાફરી કરતા લોકોને દાદર ચઢીને પ્લેટફોર્મ સુધી પહોંચવું પડતું હોવાથી હાલાકીનો સામનો કરવો પડતો હતો. કેટલીક વખત ઉતાવળમાં ટ્રેન ચૂકી જવાની સ્થિતિ પણ ઊભી થતી હતી.
આ સમસ્યાને લઈને મુસાફરો દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, રેલવે મંત્રીએ પણ સ્ટેશનની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને મુસાફરોની મુશ્કેલી દૂર કરવા માટે મંજૂરી આપી હતી.
₹65 કરોડના ખર્ચે સ્ટેશનનું આધુનિકીકરણ
આણંદ રેલવે સ્ટેશનને અંદાજે ₹65 કરોડના ખર્ચે આધુનિક બનાવવાની યોજના છે. સ્ટેશનનાં તમામ છ પ્લેટફોર્મ પર મુસાફરો માટે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં અન્ય પ્લેટફોર્મની લંબાઈ વધારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જેથી લાંબા અંતરની ટ્રેનોને સમાવી શકાય.
મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ
સ્ટેશનના આધુનિકીકરણ અંતર્ગત મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. તેમાં લિફ્ટ, એસ્કેલેટર, આધુનિક ફાયર ડિટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કંટ્રોલ અને વાઇફાઇ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વરસાદી પાણીના સંચય માટેની સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. સ્ટેશનની બહાર 500થી વધુ વાહનો પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની યોજના છે.
આણંદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને પ્લેટફોર્મની લંબાઈ વધારવાની કામગીરી પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળી શકે છે. ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પ્લેટફોર્મની અપૂરતી લંબાઈને કારણે થતી મુશ્કેલીઓમાં રાહત મળવાની અપેક્ષા છે.