આણંદના નવા બસ સ્ટેશનમાં મુસાફરોની ભીડનો લાભ લઈને સોનાની ચેનની ચોરી કરવાના બનાવનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા અને વતન આવેલા વૃદ્ધની આશરે ₹1.75 લાખની સોનાની ચેન તફડાવવાના ગુનામાં બનાસકાંઠાના પાલનપુરના બે શખસોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને પાસેથી ચોરી કરેલી 23 ગ્રામની સોનાની ચેન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
માતાનો રિપોર્ટ લેવા આણંદ આવ્યા હતા વૃદ્ધ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના અલારસા ગામના મૂળ વતની ગિરીશભાઈ ભીખાભાઈ રાણા છેલ્લાં અઢી દાયકાથી અમેરિકાના ન્યૂજર્સીમાં વસવાટ કરે છે. તેઓ 23 નવેમ્બર 2026ના રોજ માતાનો મેડિકલ રિપોર્ટ લેવા માટે સરકારી બસમાં આણંદ આવ્યા હતા. કરમસદ હોસ્પિટલમાંથી રિપોર્ટ મેળવ્યા બાદ તેઓ બપોરે આશરે 4 વાગ્યે આણંદના નવા બસ સ્ટેશન પહોંચ્યા હતા.
બસમાં ચઢતી વખતે ગળામાંથી ચેન તફડાવી
ગિરીશભાઈ પ્લેટફોર્મ નંબર 18 પરથી અમદાવાદથી આવેલી આણંદ-બોરસદ રૂટની બસમાં ચઢી રહ્યા હતા. આ દરમિયાન મુસાફરોની ભારે ભીડનો લાભ લઈને એક શખસે તેમને ધક્કો માર્યો હતો અને ગળામાં પહેરેલી આશરે બે તોલાની સોનાની પેન્ડન્ટવાળી ચેન ચોરી કરી લીધી હતી.
ગિરીશભાઈ જિટોડિયા પહોંચ્યા ત્યારે તેમને ગળામાંથી ચેન ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
CCTVના આધારે બંને આરોપીઓ સુધી પહોંચી પોલીસ
ફરિયાદ અને વૃદ્ધે આપેલા આરોપીઓના વર્ણનના આધારે પોલીસે નવા બસ સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસ્યાં હતાં. તપાસ દરમિયાન બે શંકાસ્પદ શખસોની સંડોવણી સામે આવી હતી. પોલીસે બંનેની અવરજવરના માર્ગો પર વોચ ગોઠવી તેમને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ રમજાન ઉર્ફે ડેરી રહીમ સલાટ અને સલીમ અશરફ પઠાણ તરીકે થઈ છે. બંને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
એક આરોપી સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી રમજાન ઉર્ફે ડેરી સામે ડીસા નોર્થ, સિદ્ધપુર, પાલનપુર પૂર્વ, પાટણ બી-ડિવિઝન, મોડાસા ટાઉન, હિંમતનગર બી-ડિવિઝન, લુણાવાડા અને કડી પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ તથા રોકડ ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ આણંદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને ₹1.75 લાખની કિંમતની 23 ગ્રામ સોનાની ચેન કબજે કરી છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને આરોપીઓએ અગાઉ પણ આવા ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.