આણંદ નજીક ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં આગ, ફાયર ટીમે સંભાળી પરિસ્થિતિ

આણંદ નજીક ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં આગ, ફાયર ટીમે સંભાળી પરિસ્થિતિ


આણંદ જિલ્લાના ચિખોદરા ગામ ખાતે આવેલ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.


ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ વધુ વિકરાળ બનવાની આશંકા હતી. જોકે, ફાયર ફાઇટરોએ સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી આગને નિયંત્રણમાં લેવા સતત પ્રયાસો કર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી.


પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સાથે જ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગના કારણો અને અન્ય પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.