આણંદ: આણંદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોને લઈને આજે વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે હેતુથી આણંદ જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ દરમિયાન આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જી.જી. જસાણીએ એમ.બી. પટેલ સાયન્સ કોલેજ સ્થિત મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ
SP જી.જી. જસાણીએ મતગણતરી કેન્દ્રના તમામ સંવેદનશીલ પોઈન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું અને ફરજ પરના પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને વિજયી ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી છે.
શાંતિ જાળવવા અપીલ
મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મતગણતરી કેન્દ્રની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે. તેમણે નાગરિકો અને કાર્યકરોને પણ શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.