આણંદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 30 વિકાસકાર્યોને મંજૂરી, ₹2.50 કરોડના ખર્ચે ડોગ હોસ્ટેલ બનશે; ગીગ વર્કર્સ માટે રેસ્ટ રૂમ પણ બનાવાશે

આણંદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 30 વિકાસકાર્યોને મંજૂરી, ₹2.50 કરોડના ખર્ચે ડોગ હોસ્ટેલ બનશે; ગીગ વર્કર્સ માટે રેસ્ટ રૂમ પણ બનાવાશે

આણંદ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, રખડતા પશુઓના નિયંત્રણ અને માળખાકીય સુવિધાઓને લગતા કુલ 30 કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં ફૂડ ડિલિવરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ગીગ વર્કર્સ માટે પીવાનું પાણી, શૌચાલય અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ ધરાવતા રેસ્ટ રૂમ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે.

બેઠકમાં લાંભવેલ ડમ્પિંગ સાઈટ ખાતે હાઈકોર્ટના આદેશના અનુસંધાને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત રૂ.55.41 લાખના ખર્ચે ડમ્પિંગ સાઈટની ફરતે પેનલ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. આ કામગીરીથી ડમ્પિંગ સાઈટની આસપાસની વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

શહેરમાં રખડતા પશુઓની સમસ્યા અને હડકવા નિયંત્રણને ધ્યાનમાં રાખીને પણ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રૂ.2.50 કરોડની ગ્રાન્ટમાંથી ડોગ હોસ્ટેલ ઊભી કરવામાં આવશે. સાથે જ આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કન્સલ્ટન્ટની નિમણૂક અને જરૂરી નવાં વાહનોની ખરીદી કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.

નવા બસ સ્ટેશનના નિર્માણ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા

આણંદમાં નવા બસ સ્ટેશનના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી મુસાફરોની અવરજવર અને બસ વ્યવહાર જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ટી.પી. સ્કીમ નંબર-3ના ફાઈનલ પ્લોટ નંબર-5 ખાતે આવેલી મહાનગરપાલિકાની ચોરાની જગ્યામાં 24 મહિના માટે ટેમ્પરરી લીનિયર બસ સ્ટેશન ઊભું કરવા જગ્યા નિઃશુલ્ક ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે.

ગીગ વર્કર્સ માટે મળશે વિશ્રામની સુવિધા

શહેરમાં ફૂડ ડિલિવરી સહિત વિવિધ સેવાઓમાં કાર્યરત ગીગ વર્કર્સને કામ દરમિયાન સુવિધા મળી રહે તે માટે મનપા દ્વારા નવી પહેલ કરવામાં આવશે. મહાનગરપાલિકાની જગ્યામાં રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. જેમાં કામદારો માટે પીવાનું પાણી, શૌચાલય, વિશ્રામ કરવાની જગ્યા તેમજ મોબાઈલ ચાર્જિંગ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત ટી.પી. સ્કીમ નંબર-4 વિસ્તારમાં ગટરલાઈન નાખવા અને રસ્તા સહિતના વિવિધ વિકાસકાર્યોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના વિકાસને વેગ આપવાનો પ્રયાસ

આમ, આણંદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા 30 કામો શહેરની પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને શહેરી માળખાકીય વિકાસ સાથે જોડાયેલા છે. હવે આ મંજૂર થયેલા કામોનું ટેન્ડરિંગ અને અમલીકરણ ક્યારે શરૂ થાય છે તેમજ નાગરિકોને તેનો લાભ ક્યારે મળે છે તેના પર સૌની નજર રહેશે.