આણંદ મહાનગરપાલિકાની સામાન્ય સભા 6 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે મનપાના સભાખંડમાં યોજાશે. સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા 39 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવશે. આ એજન્ડા હેઠળ કુલ રૂ.500 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવવાની છે.
મનપાની બેઠકમાં એપીસી સર્કલ પાસે અંદાજે રૂ.33 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાના કામને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત તાસ્કંદ પેટ્રોલ પંપથી લોટેશ્વર તળાવ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે રૂ.1.50 કરોડની જોગવાઈ કરવામાં આવશે.
ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નુકસાન પામેલા રસ્તાઓના સમારકામ માટે રૂ.1.50 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અંગેનો ઠરાવ પણ રજૂ થશે. તાસ્કંદ પેટ્રોલ પંપથી વ્યાયામશાળા રોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટે 600 એમએમની પાઇપલાઇન નાખવા રૂ.28.10 લાખના કામને મંજૂરી માટે મૂકવામાં આવશે.
મનપા હસ્તકના ટીપી પ્લોટ, સરકારી પ્લોટ અને સરકારી મિલકતોની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાના રૂ.1.50 કરોડના કામને પણ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. કરમસદ-ગાના રોડ પર રેલવે ફાટક પાસે બ્રિજના આયોજન માટે એમ્પેનલ કન્સલ્ટન્ટની નિમણૂક અંગે પણ નિર્ણય લેવાશે.
શહેરના નહેરૂબાગ-1 અને નહેરૂબાગ-2 તેમજ કરમસદના અખંડ ભારત ઉદ્યાનમાં અંદાજે રૂ.41.50 લાખના ખર્ચે CCTV કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ જિલ્લા પંચાયત હસ્તકના 172 આંગણવાડી કેન્દ્રોને મહેકમ સહિત મહાનગરપાલિકાને તબદીલ કરવાની પ્રક્રિયા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે.
મનપા હસ્તકની વિવિધ મિલકતોના રિનોવેશન માટે રૂ.20 કરોડના કામને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જ્યારે શહેરમાં અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવા માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરવા અને કન્સલ્ટન્ટની નિમણૂકની કામગીરી પણ આગળ વધારવામાં આવશે.
સરદારગંજ નજીક આવેલા શિવમ પાર્કના રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોના પ્રવેશને નિયંત્રિત કરવા માટે સ્પેશિયલ ગેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચાવડાપુરામાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.1.13 કરોડ
આણંદના ચાવડાપુરા વિસ્તારમાં 200થી વધુ નાની-મોટી સોસાયટીઓ આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જીટોડિયા દાંડી માર્ગથી જીટોડિયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ માટે રૂ.1.13 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
જોકે સામાન્ય સભાના એજન્ડામાં સફાઈ કામદારોને કાયમી કરવા અંગે કોઈ ઠરાવ રજૂ કરવામાં ન આવતા સફાઈ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.