જાગૃત નાગરિક હર્ષિલ દવેએ મનપા કચેરી ખાતે માટલું ફોડી વિરોધ નોંધાવ્યો, કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
આણંદ: આણંદ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવેલા વિકાસકાર્યો અને ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. મનપાના વિવિધ કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે શહેરના જાગૃત નાગરિક હર્ષિલ દવે દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
બે દિવસ અગાઉ યોજાયેલી મનપાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા છેલ્લા બે વર્ષના હિસાબ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે સભામાં હોબાળો પણ થયો હતો. જોકે, શાસક પક્ષ દ્વારા સામાન્ય સભા માત્ર બે મિનિટમાં પૂર્ણ જાહેર કરવામાં આવતાં વિપક્ષની માંગણીઓ અંગે ચર્ચા થઈ શકી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાથી નારાજ હર્ષિલ દવેએ ગુરુવારે મનપા કચેરી ખાતે ભ્રષ્ટાચારના વિરોધમાં પ્રતીકાત્મક રીતે માટલું ફોડી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે તેમણે મનપા કમિશનરને આવેદનપત્ર આપીને છેલ્લા દોઢથી બે વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસકાર્યોની તટસ્થ તપાસ કરાવવાની માગણી કરી હતી.
આવેદનપત્રમાં નવનિર્મિત આરસીસી રોડ અને રોડ ટોપિંગનાં કામો, શહેરમાં લગાવવામાં આવેલી એલઇડી લાઇટોની ખરીદી, ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડ તેમજ મનપા કચેરીના રિનોવેશન પાછળ થયેલા આશરે રૂ. 11 કરોડના ખર્ચ સહિત વિવિધ કામો અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ખર્ચ અને કામગીરીની વિગતોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
જાગૃત નાગરિકે માંગ કરી છે કે મનપા દ્વારા હાથ ધરાયેલા તમામ સંબંધિત વિકાસકાર્યોનાં ખર્ચ, ટેન્ડર પ્રક્રિયા અને કામગીરીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે, જેથી હકીકતો સામે આવી શકે. હવે આ મામલે મનપા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને તપાસ અંગે કોઈ નિર્ણય લેવાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
નોંધનીય છે કે, હાલ આ સમગ્ર મામલે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આક્ષેપોની સત્યતા તપાસ અને સંબંધિત દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થઈ શકશે.