આણંદ મનપાના 1.47 લાખ મિલકતધારકો માટે મહત્વના સમાચાર!

આણંદ મનપાના 1.47 લાખ મિલકતધારકો માટે મહત્વના સમાચાર!

આણંદ મનપાના 1.47 લાખ મિલકતધારકો માટે મહત્વના સમાચાર!

હવે તમારી મિલકતનું માપણું થશે અને તૈયાર થશે તેનો ડિજિટલ રેકોર્ડ!
અને જો અત્યાર સુધી મિલકતનું ક્ષેત્રફળ કે વપરાશ ખોટો નોંધાયો હશે, તો નવી આકારણીમાં તેની હકીકત સામે આવી શકે છે.

આણંદ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી 1.47 લાખ મિલકતોની નવેસરથી માપણી અને આકારણીની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ એમ-નેક્સ્ટ ઇન્ફોટેક કંપનીને સોંપવામાં આવી છે.

કંપનીના સર્વેયર અને કર્મચારીઓ હવે ઘરે-ઘરે જઈને મિલકતની માપણી તેમજ જરૂરી વિગતો એકત્રિત કરશે.
આ સર્વે કરનારા કર્મચારીઓને મનપા દ્વારા અધિકૃત આઈ-કાર્ડ આપવામાં આવ્યા છે, જેથી મિલકતધારકો તેમની ઓળખ ચકાસી શકે.

તો સવાલ એ છે કે... આ નવી આકારણીથી નાગરિકોને શું ફાયદો થશે?

સૌથી મોટો ફાયદો એ કે દરેક મિલકતનું સચોટ ક્ષેત્રફળ અને વર્તમાન વપરાશનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે.

જો ભૂતકાળમાં કોઈ કારણસર તમારી મિલકતનું ક્ષેત્રફળ ઓછું કે વધારે નોંધાયું હોય, તો નવી માપણીથી તેમાં સુધારો થઈ શકે છે. ભવિષ્યમાં મિલકતના વેચાણ, ખરીદી કે ટ્રાન્સફર વખતે પણ રેકોર્ડ વધુ સ્પષ્ટ રહેવાની શક્યતા છે.

સાથે જ, જે મિલકતધારકો પોતાની મિલકતનું સાચું ક્ષેત્રફળ દર્શાવીને ટેક્સ ભરે છે, તેમની સાથે પણ અન્યાય અટકશે. એટલે કે મિલકત જેટલી અને જે વપરાશ માટે છે, તેના આધારે યોગ્ય ટેક્સ નક્કી થઈ શકશે.

પરંતુ આ સર્વેનો બીજો મહત્વનો પાસો પણ છે.

જો કોઈ મિલકતમાં વાસ્તવિક ક્ષેત્રફળ કરતાં ઓછું ક્ષેત્રફળ દર્શાવવામાં આવ્યું હશે, અથવા રહેણાંક મિલકતનો વપરાશ બદલાયો હોવા છતાં રેકોર્ડમાં સુધારો નહીં કરાયો હોય, તો નવી માપણીમાં તે બાબતો સામે આવી શકે છે.

અર્થાત્, ઓછું ક્ષેત્રફળ દર્શાવીને કે વપરાશ છુપાવીને ટેક્સમાં ગેરરીતિ કરનારા મિલકતધારકો માટે પણ આ સર્વે મહત્વનો બની શકે છે. નિયમ મુજબ તફાવતની ટેક્સ રકમ ઉપરાંત દંડ અને વ્યાજની વસૂલાતની કાર્યવાહી થઈ શકે છે.

આ સમગ્ર પ્રક્રિયાથી મનપાનું નવું આકારણી રજિસ્ટર તૈયાર થશે, જ્યારે અત્યાર સુધી રેકોર્ડ પર ન આવેલી અથવા વપરાશમાં ફેરફાર થયેલી મિલકતો પણ નોંધમાં આવી શકે છે.

અને જો મનપાની ટેક્સ આવકમાં વધારો થાય, તો તેનો ઉપયોગ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે થઈ શકે છે.

મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલના જણાવ્યા અનુસાર, નગરજનો દ્વારા આપવામાં આવતી સચોટ માહિતીના આધારે નવી આકારણી કરવામાં આવશે. તેમણે તમામ મિલકતધારકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.

એટલે તમારા ઘરે સર્વે માટે કર્મચારી આવે ત્યારે અધિકૃત આઈ-કાર્ડ ચકાસો, જરૂરી માહિતી સચોટ આપો અને તમારી મિલકતનો રેકોર્ડ ભવિષ્યમાં કોઈ વિવાદ ન સર્જે તે માટે વિગતોની ચોકસાઈ પર ધ્યાન આપો.