Advertisement

આણંદ: મારુતિ સોલારિસ મોલના PVRમાં વહેલી સવારે લાગી આગ! ફાયર વિભાગે એક વ્યક્તિનું કર્યું દિલધડક રેસ્ક્યુ

આણંદ: મારુતિ સોલારિસ મોલના PVRમાં વહેલી સવારે લાગી આગ! ફાયર વિભાગે એક વ્યક્તિનું કર્યું દિલધડક રેસ્ક્યુ

આણંદ: શહેરમાં આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના સાયરનો ગુંજી ઉઠતા નાગરિકોમાં કુતૂહલ સર્જાયું હતું. સોજીત્રા રોડ પર આવેલા જાણીતા મારુતિ સોલારિસ મોલમાં સ્થિત PVR સિનેમામાં આગ લાગી હોવાના અને એક વ્યક્તિ ફસાયો હોવાના સમાચાર મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જોકે, અંતે આ સમગ્ર ઓપરેશન એક પૂર્વનિયોજિત મોકડ્રિલ હોવાનું જાહેર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


શું હતી સમગ્ર ઘટના?

આજે તારીખ 20/04/2026 ના રોજ વહેલી સવારે 7:20 કલાકે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં એક કોલ મળ્યો હતો કે, સોજીત્રા રોડ સ્થિત PVR સિનેમાની સ્ક્રીન નંબર 1 માં આગ લાગી છે અને ત્યાં એક વ્યક્તિ ફસાયેલ છે.


ઘટનાની ગંભીરતા જોઈ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના હેઠળ સબ ફાયર ઓફિસર વિશાલસિંહ ડોડ અને તેમની ટીમ તુરંત જ ઘટનાસ્થળે રવાના થઈ હતી.


ફાયર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ફાયર સ્ટાફના જવાનો - અબ્દુલભાઈ ભથાણીયા, રઘુવીરસિંહ પઢીયાર, જયેશ ઠાકોર, રવિ સાબલિયા, મહાવીરસિંહ મકવાણા, અરબાઝ મલેક, મહિપાલસિંહ, પરિમલ મંડોડ અને અનીશ ભાઈ - એ તાત્કાલિક સ્થળ પર પહોંચી મોલના તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે એસેમ્બલી પોઈન્ટ પર ખસેડ્યા હતા.


સ્ક્રીન નંબર 1 માં ફસાયેલી વ્યક્તિને ફાયર જવાનોએ 'ફાયરમેન લિફ્ટ' પદ્ધતિથી સુરક્ષિત રીતે બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ આ સમગ્ર ઘટનાને સફળ મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

Advertisement