આણંદ લો કોલેજના પ્રિન્સિપાલ પદને લઈને ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે...!
એક તરફ નિયમો, લાયકાત અને અનુભવની વાતો કરવામાં આવે છે... તો બીજી તરફ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું નિયમો ખરેખર બધા માટે સરખા છે કે પછી કેટલાક લોકો માટે નિયમોની નવી વ્યાખ્યા તૈયાર કરવામાં આવે છે?
આણંદ લો કોલેજમાં ડૉ. રેખાકુમારી રામનંદન સિંઘની પ્રિન્સિપાલ તરીકે થયેલી નિમણૂક ગત મે મહિનામાં વિવાદ બાદ સ્થગિત કરવામાં આવી હતી. તેમના દ્વારા રજૂ કરાયેલા માર્કશીટ અને અન્ય દસ્તાવેજોની પુનઃ ચકાસણી કરવાનો નિર્ણય લેવાયો હતો.
પરંતુ માત્ર ત્રણ મહિના બાદ... જુલાઈમાં મળેલી સરદાર પટેલ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તેમને ફરીથી પ્રિન્સિપાલ પદે માન્યતા આપવામાં આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
અને હવે સૌથી મોટો સવાલ છે... ❓
મે મહિનામાં જે દસ્તાવેજો શંકાસ્પદ લાગ્યા હતા, એ જ દસ્તાવેજો જુલાઈમાં અચાનક કેવી રીતે માન્ય બની ગયા?
વિવાદ તેમના બી.એ.ના ગુણને લઈને પણ છે.
આક્ષેપ છે કે તેમના બી.એ.માં મૂળ ટકાવારી 42.75 ટકા હતી, પરંતુ બાદમાં માઈનોર વિષયના ગુણને ગણતરીમાં લઈને તેને 45.50 ટકા માનવામાં આવી.
અહીં સવાલ એ છે કે...
👉 શું ભરતીના નિયમો મુજબ માઈનોર વિષયના ગુણ ગણતરીમાં લઈ શકાય છે?
👉 જો નિયમમાં તેની મંજૂરી નથી, તો પછી આ ગણતરી કોણે અને કયા આધારે કરી?
👉 અને જો એક ઉમેદવાર માટે નિયમોની અલગ ગણતરી થઈ શકે, તો શું અન્ય ઉમેદવારોને પણ આવી જ છૂટ આપવામાં આવશે?
મામલો માત્ર માર્કસનો નથી...
પ્રિન્સિપાલ પદ માટે જરૂરી અનુભવને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
યુજીસીના લાગુ નિયમો મુજબ જરૂરી લાયકાત અને 15 વર્ષના પ્રોફેસર તરીકેના અનુભવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે આ કેસમાં હંગામી અથવા કરાર આધારિત અનુભવને પણ ગણતરીમાં લેવામાં આવ્યો.
એટલે હવે સવાલ સીધો છે...
અનુભવનો નિયમ શું છે? અને આ કેસમાં અનુભવની ગણતરી કયા નિયમો હેઠળ કરવામાં આવી?
આ સમગ્ર મામલે રાજકીય કનેક્શનના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોકે, આવા આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થવી બાકી છે.
પરંતુ જો કોઈ વ્યક્તિ સામાન્ય ભરતી માટે અરજી કરે અને તેના માર્કસમાં એક ટકાનો પણ ફેરફાર હોય... તો ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે.
તો પછી...
અહીં વિવાદાસ્પદ દસ્તાવેજો હોવા છતાં પ્રક્રિયા વારંવાર બદલાતી કેમ જોવા મળી?
અને આણંદ લો કોલેજમાં પ્રિન્સિપાલ પદને લઈને બીજો પણ એક રસપ્રદ વિવાદ સામે આવ્યો છે.
કેટલાક પરિપત્રો અને દસ્તાવેજોમાં પ્રિન્સિપાલ તરીકે અમિત પરમારની સહી જોવા મળે છે... તો કેટલાકમાં રેખાસિંઘની સહી!
એટલે સવાલ માત્ર એટલો જ નથી કે પ્રિન્સિપાલ કોણ છે...
સવાલ એ છે કે એક જ કોલેજમાં પ્રિન્સિપાલના હોદ્દાની સ્પષ્ટતા આટલી ધૂંધળી કેમ છે?
સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલ પટેલે જણાવ્યું છે કે ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજમાં પ્રમાણપત્રોની ચકાસણી સંસ્થાની IQAC દ્વારા કરવામાં આવે છે અને ભવિષ્યમાં કોઈ માહિતી ક્ષતિયુક્ત જણાશે તો યુનિવર્સિટી આપેલી માન્યતા રદ કરી શકે છે.
પણ જનતાનો અને શિક્ષણ જગતનો સૌથી મોટો સવાલ હજુ પણ યથાવત છે...
🔥 જો ભવિષ્યમાં માહિતી ખોટી નીકળે તો કાર્યવાહી થશે... પરંતુ હાલમાં તમામ માહિતી અને લાયકાતની સંપૂર્ણ, પારદર્શક અને સ્વતંત્ર તપાસ કેમ ન થાય?
🔥 નિયમોનું પાલન થયું છે તો સંપૂર્ણ દસ્તાવેજો જાહેર કરવામાં શું વાંધો છે?
🔥 અને જો નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવી હોય, તો શું એ છૂટછાટ દરેક ઉમેદવારને મળશે?
કારણ કે...
શિક્ષણ સંસ્થાઓમાં જો લાયકાત કરતાં લાગવગ, નિયમ કરતાં સંબંધ અને પારદર્શિતા કરતાં પ્રભાવ મોટો બની જશે... તો પછી વિદ્યાર્થીઓને કાયદો અને ન્યાય શીખવતી લો કોલેજ જ સૌથી પહેલા સવાલોના ઘેરામાં આવશે!
આ મામલે આરોપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય અને તમામ નિયમો તથા દસ્તાવેજોની પારદર્શક ચકાસણી જાહેર થાય, એવી માંગ હવે વધુ મજબૂત બની રહી છે.