Advertisement

આણંદ LCBનો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ : અમેરિકા મોકલવાની લાલચમાં અઝરબૈજાન લઈ જઈ ₹65 લાખની ખંડણી

આણંદ LCBનો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ : અમેરિકા મોકલવાની લાલચમાં અઝરબૈજાન લઈ જઈ ₹65 લાખની ખંડણી

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમેરિકા મોકલવાની લાલચ આપી આણંદના બે નાગરિકોને અઝરબૈજાન લઈ જઈ, ત્યાં તેમને ગોંધી રાખી માર મારી રૂ. 65 લાખની ખંડણી વસૂલનાર મુંબઈના ત્રણ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


પકડાયેલા આરોપીઓ

1. મમતાબેન જીતેશ ગાવિત - ઉં.વ.49, રહે. થાણે, મુંબઈ

2. કેતન રમેશ કાંતિલાલ સોની - ઉં.વ. 54, રહે. દહીસર ઈસ્ટ

3. ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો - ઉં.વ. 49, રહે. અંધેરી ઈસ્ટ


ફરિયાદ અનુસાર, આરોપીઓએ આણંદના ધ્રુવ અને સાહેદબેન નામના બે યુવકોને કેનેડા અથવા અમેરિકા મોકલવાના બહાને દિલ્હીથી અઝરબૈજાન મોકલ્યા હતા. અઝરબૈજાન પહોંચતા જ આરોપીઓએ બંનેનું અપહરણ કરી એક ગુપ્ત સ્થળે ગોંધી રાખ્યા હતા.


યુવકોના હાથ-પગ બાંધી, મોઢામાં ડુચા મારીને તેમને અસહ્ય શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પરિવારજનોને વીડિયો કોલ પર યુવકોને માર મારતા બતાવી ડરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવકોની કિડની, આંખો અને લીવર કાઢીને વેચી દેવાની ધમકી આપી રૂ. 65 લાખની ખંડણી માંગી હતી, જે પરિવારજનો પાસેથી પડાવી લેવામાં આવી હતી.


આણંદ પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ LCB ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કેસની તપાસ હાથ ધરી હતી. તપાસના છેડા મુંબઈ સુધી પહોંચતા, પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.


પકડાયેલા આરોપીઓમાં મુંબઈના થાણેના રહેવાસી મમતાબેન જીતેશ ગાવિત (ઉં.વ.49), દહીસર ઈસ્ટના કેતન રમેશ કાંતિલાલ સોની (ઉં.વ. 54) અને અંધેરી ઈસ્ટના ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો (ઉં.વ. 49) નો સમાવેશ થાય છે.

Advertisement