આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર અને વહીવટદાર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં શહેરના અમૂલ ડેરી રોડ, મંગળપુરા, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વર્ષો જૂની પીવાના પાણીની પાઇપલાઇન બદલી નવી લાઈન નાખવા રૂ. 41.38 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત જીટોડીયા દાંડીમાર્ગથી ચાવડાપુરા થઈ જીટોડીયા તળાવ સુધી વરસાદી પાણીની લાઈન માટે રૂ. 1.13 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ખાનગી અને દસ વર્ષ જૂની સોસાયટીઓમાં હવે રોડ ઉપરાંત ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી, રેન વોટર હાર્વેસ્ટિંગ, ઓપન જીમ અને સ્ટોર્મ વોટર લાઈન જેવી સુવિધાઓના વિકાસ માટે પણ નાણાં ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે.
જ્યારે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ત્રણ નાના અને બે મોટા ફોગિંગ મશીન ખરીદવાની પ્રક્રિયાને પણ મંજૂરી આપવામાં આવી છે.
બેઠક દરમિયાન રૂ. 6.93 કરોડના ખર્ચે બનેલા સ્વિમિંગ પૂલના ફાઇનલ બિલનું પણ રિવ્યુ કરવામાં આવ્યું હતું અને બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
કુલ મળીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના પાણી, વરસાદી પાણીના નિકાલ, સોસાયટી વિકાસ અને આરોગ્ય સુવિધાઓને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.