આણંદ-કરમસદ મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા સુચારુ આયોજન અને સંકલન માટે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર આ ચૂંટણીને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ચૂંટણી અધિકારી અને આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમારે કર્યું હતું, જેમાં વોર્ડ ૧ થી ૫ સુધીની ચૂંટણી વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડો. મયુર પરમારે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પોલીસ વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ અને આચારસંહિતાના કડક પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પશુપાલન અધિકારી અને ડી.વાય.એસ.પી. જે. એન. પંચાલ સહિતના અધિકારીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે માટે સઘન તૈયારી કરવામાં આવી રહી છે, જેથી મતદારો નિર્ભય વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.