આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈના મોરચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાના પાકને અંતિમ પિયતની જરૂરિયાત ઊભી થતાં નર્મદા ડેમમાંથી 4,500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણીથી ચરોતરના ખેતીપાકને રાહત મળવાની સાથે 1.50 લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળવાની શક્યતા છે.
2.10 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને અંતિમ પિયતની જરૂર
આણંદ-ખેડા જિલ્લામાં અંદાજે 2.10 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગર, બાજરી સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ આ પાકો પરિપક્વ અવસ્થામાં છે અને તેમને અંતિમ પિયતની જરૂરિયાત ઊભી થઈ છે.
વરસાદ ખેંચાઈ જતાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને અસર થવાની સ્થિતિ ઊભી થઈ હતી. ખેતરોમાં ભેજ ઘટતાં ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી હતી.
ખેડૂતોની રજૂઆત બાદ પાણી છોડવાનો નિર્ણય
છેલ્લા પિયતના સમયે વરસાદ ખેંચાઈ જતાં કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવાની માંગ ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોની આ માગને ધ્યાને લઈને નર્મદા કેનાલમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ઠાસરા નજીક પડાલ પાસેથી મહી કેનાલમાં 4,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં આ પાણી વિવિધ વિસ્તારો સુધી પહોંચવાની શક્યતા છે.
તમાકુની રોપણી વચ્ચે પણ સિંચાઈની જરૂરિયાત વધી
હાલ આણંદ અને ખેડા જિલ્લામાં મોટા પ્રમાણમાં તમાકુની રોપણીનું કામ ચાલી રહ્યું છે. વરસાદના અભાવે ખેતરોમાં ભેજ ઘટી જતાં તમાકુના નવા રોપાઓને પિયતની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ, તૈયાર કરવામાં આવેલા ધરૂવાડિયાઓ પણ ગરમીના કારણે બળી ન જાય તે માટે પાણી આપવું જરૂરી બન્યું છે.
વણાકબોરીમાં 60 ટકા જથ્થો, નર્મદા કેનાલ પર આધાર વધ્યો
આણંદ-ખેડા જિલ્લામાં સિંચાઈ માટે વણાકબોરી જળાશય મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જોકે હાલમાં વણાકબોરીમાં આશરે 60 ટકા જળજથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમાંનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યો છે.
આ સ્થિતિને કારણે ખેતી માટેના સિંચાઈના પાણી માટે નર્મદા કેનાલ પર નિર્ભરતા વધી છે. હવે નર્મદા કેનાલમાંથી છોડવામાં આવેલા 4,500 ક્યુસેક પાણીથી ચરોતરના ખેડૂતોને પાકના અંતિમ તબક્કે જરૂરી પિયત મળી રહે તેવી આશા છે.
પાણીની ઉપલબ્ધતાથી ડાંગર, બાજરી, શાકભાજી તેમજ તમાકુ જેવા પાકોને મહત્વની રાહત મળવાની શક્યતા છે.