આણંદ-ખેડામાં ખેડૂતોનો આક્રોશ: પાણી નહીં મળે તો હાઈવે પર ચક્કાજામ!

આણંદ-ખેડામાં ખેડૂતોનો આક્રોશ: પાણી નહીં મળે તો હાઈવે પર ચક્કાજામ!

આણંદ-ખેડામાં ખેડૂતોનો આક્રોશ: પાણી નહીં મળે તો હાઈવે પર ચક્કાજામ!

આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખંભાત, તારાપુર, માતર, લીંબાસી અને સોજિત્રા પંથકમાં આશરે 55 હજાર હેક્ટરમાં વાવેતર કરાયેલો ડાંગરનો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં પૂરતું પાણી છોડવામાં ન આવતા ભાલ પંથકની ચાંગડાથી તારાપુર, કાણીસાથી વડગામ, દહેડાવી અને લુણેજી શાખામાં પાણી પહોંચતું નથી. પરિણામે ખેતરોમાં પાક બળી રહ્યો છે અને જમીનમાં તિરાડો પડી રહી છે.

બીજી તરફ આ વિસ્તારમાં બોરકૂવાના પાણી ખારા હોવાથી સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવો શક્ય નથી. એટલે ખેડૂતો માટે કેનાલનું પાણી જ એકમાત્ર આશા બની છે.

મળતી માહિતી પ્રમાણે અગાઉ કેનાલમાં 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને ઘટાડીને 2800 ક્યુસેક કરવામાં આવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે ભાલ પંથકના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે ઓછામાં ઓછું 6 હજાર ક્યુસેક પાણી છોડવું જરૂરી છે.

આ મુદ્દે 25 ઓગસ્ટે આણંદ-ખેડાના ખેડૂતો અને સ્થાનિક ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને સિંચાઈ સચિવ સમક્ષ રજૂઆત પણ કરી હતી. તેમ છતાં પૂરતું પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે.

હવે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જો નર્મદા ડેમમાંથી ભાલ પંથક માટે સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે તો 9 સપ્ટેમ્બરે ખંભાત નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતે ખેડૂતો પ્રતિક ઉપવાસ કરશે.

અને તેમ છતાં સરકાર દ્વારા પાણી નહીં છોડવામાં આવે તો 14 સપ્ટેમ્બરે 30 હજારથી વધુ ખેડૂતો ગલિયાણા ગામ પાસે હાઈવે પર ચક્કાજામ કરશે.

ખેડૂતો છેલ્લા 5 વર્ષથી નર્મદા ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાણી ભરી ભાલ પંથકને સિંચાઈનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે.

એક તરફ ખેતરમાં ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે, બીજી તરફ પાણી માટે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતરવાની તૈયારીમાં છે.

હવે સવાલ એ છે—પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખેતરમાં સરકાર ક્યારે પહોંચાડશે સિંચાઈનું પાણી?