આણંદ-ખંભાત રૂટ પર દોડશે 14 ડબ્બાની મેમુ ટ્રેન, મુસાફરોને ભીડમાંથી મળશે રાહત

આણંદ-ખંભાત રૂટ પર દોડશે 14 ડબ્બાની મેમુ ટ્રેન, મુસાફરોને ભીડમાંથી મળશે રાહત

આણંદથી ખંભાત વચ્ચે રેલવેમાં મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ રૂટ પર દોડતી મેમુ ટ્રેનમાં મુસાફરોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે ટ્રેનના ડબ્બાની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. હાલ 8 ડબ્બા સાથે દોડતી મેમુ ટ્રેન હવે ટૂંક સમયમાં 14 ડબ્બા સાથે દોડશે. આ નિર્ણયથી રોજિંદા મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળવાની આશા છે.

હાલ આ રૂટ પર અંદાજે 25 હજારથી વધુ મુસાફરો અવરજવર કરે છે. ટ્રેનમાં મર્યાદિત ડબ્બા હોવાના કારણે ખાસ કરીને સવાર અને સાંજના સમયે ભારે ભીડ જોવા મળતી હતી. જેના કારણે મુસાફરોને ટ્રેનમાં બેસવા અને મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા 6 ડબ્બા ઉમેરાતા 3,500થી વધુ વધારાના મુસાફરોને મુસાફરીની સુવિધા મળી શકશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આણંદ-ખંભાત રૂટ પર ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હતી. આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અપડાઉન કરતા હજારો લોકોનો આશરે દોઢ કલાક જેટલો સમય વેડફાતો હતો. મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો અને આ રૂટ પર ઇલેક્ટ્રિક મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

ઓછું ભાડું અને ઝડપી મુસાફરીના કારણે મેમુ ટ્રેન નોકરિયાતો તેમજ રોજિંદા અપડાઉન કરતા લોકો માટે ઉપયોગી સાબિત થઈ છે. જોકે, 8 ડબ્બાની મર્યાદિત ક્ષમતાના કારણે મુસાફરોની ભીડનો પ્રશ્ન યથાવત્ રહ્યો હતો. હવે રેલવે મંત્રાલયની મંજૂરી બાદ ટ્રેનની ક્ષમતા વધારવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

તારાપુર, સાયમા અને નારમાં નવા પ્લેટફોર્મ બનશે

14 ડબ્બાની લાંબી ટ્રેનને સરળતાથી ઊભી રાખી શકાય તે માટે તારાપુર, સાયમા અને નાર રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવશે. આ માટે જૂના અને નાના પ્લેટફોર્મને દૂર કરી આધુનિક અને મોટા પ્લેટફોર્મ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવા પ્લેટફોર્મ પર મુસાફરો માટે જરૂરી પાયાની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.

આ ઉપરાંત ટ્રેનના સંચાલનમાં પણ ટેકનિકલ ફેરફાર કરવામાં આવશે. હાલની બે એન્જિનની વ્યવસ્થાની જગ્યાએ વધારાના એક ડબ્બા સાથે કુલ ત્રણ એન્જિનની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્લેટફોર્મના નવીનીકરણ અને અન્ય ટેકનિકલ કામગીરી પૂર્ણ થયા બાદ 14 ડબ્બાની મેમુ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આણંદ-ખંભાત રેલવે રૂટ પર મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને હજારો મુસાફરોની દૈનિક મુસાફરી વધુ સુવિધાજનક બનશે.