આણંદ જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિલંબના એંધાણ, આખરી મતદારયાદી જાહેર કરવાની પ્રક્રિયા મોકૂફ

આણંદ જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિલંબના એંધાણ, આખરી મતદારયાદી જાહેર કરવાની પ્રક્રિયા મોકૂફ

આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાની 187 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આખરી મતદારયાદી જાહેર કરવાની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. અગાઉ 27 નવેમ્બરના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થવાની હતી, પરંતુ હવે આયોગ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે.

ચૂંટણીના નિયમો મુજબ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ જ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી શકાય છે. એટલે મતદારયાદી જાહેર કરવામાં વિલંબ થતાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન પણ પાછળ ઠેલાઈ શકે છે.

તંત્રના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ થવાની શક્યતા છે. જોકે, ચૂંટણી શાખા દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 27 નવેમ્બરે મતદારયાદી જાહેર થવાની હોવાથી રાજકીય પક્ષો, સ્થાનિક આગેવાનો અને ચૂંટણી લડવા ઇચ્છુક સંભવિત ઉમેદવારોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે, અચાનક મતદારયાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવતા ચૂંટણીના સમયપત્રક પર અસર થવાની શક્યતા ઊભી થઈ છે.

આણંદ જિલ્લાની જે ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થવાની છે અથવા પૂર્ણ થઈ ચૂકી છે, તેવી આશરે 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. હાલની પરિસ્થિતિ જોતા ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. જો આખરી મતદારયાદી જાહેર કરવામાં વધુ સમય લાગે તો જાન્યુઆરીમાં ઉત્તરાયણના પર્વ બાદ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે.

હવે આખરી મતદારયાદીની નવી તારીખ ક્યારે જાહેર થાય છે તેના પર સૌની નજર છે. મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ જ ચૂંટણીની સત્તાવાર પ્રક્રિયાને આગળ વધારી શકાશે.