Advertisement

આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંઘે ભારત અને રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા કરી

આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંઘે ભારત અને રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા કરી

આણંદ: ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અવંતિકા સિંઘએ આજે આણંદ કલેકટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. 


શ્રી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળવા પાત્ર સાચા લાભાર્થીઓને યોજનાના લાભ સમયસર મળી રહે તે માટે જણાવ્યું હતું. 


તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓનો તાત્કાલિક સર્વે કરી વાલીઓનો સંપર્ક કરી આવા વિદ્યાર્થીઓનું  શાળા છોડવાનું કારણ શોધીને તેમને પરત શાળામાં લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે અને મધ્યાહન ભોજન યોજનાના લાભો મળી રહે તે જોવા પણ જણાવ્યું હતું. 


શ્રી અવંતિકા સિંઘે હાઇસ્કુલના વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ફ્રી બસ પાસ, સ્કૂલમાં ચાલતા વોકેશનલ કોર્સ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે હિટવેવ ની આગાહીને ધ્યાને લઈને આણંદ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર અને જનરલ અને સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી તૈયારીઓ રાખવા પણ જણાવ્યું હતું. 


આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત આહાર મળી રહે ખાસ કરીને પૂર્ણ શક્તિ, માતૃશક્તિ અને બાલ શક્તિનું સમયસર વિતરણ થાય તે જોવા જણાવ્યું હતું.


આગામી દિવસોમાં ચોમાસા પહેલા કાંસની સફાઈ થાય અને જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ચોમાસા પહેલા હેન્ડ પંપ રીપેર કરવા અંગેની ફરિયાદો મળે તો તાત્કાલિક હેન્ડપમ્પ રીપેર કરવા પણ જણાવ્યું હતું. 


જિલ્લાના એલપીજી ગેસ ધારકો જો પીએનજી ગેસ કનેક્શન ધરાવતા હોય તો તાત્કાલિક એલપીજી કનેક્શન જમા કરાવે તે જોવા તેમણે જણાવ્યું હતું.


 આ ઉપરાંત અવંતિકા સિંઘે આણંદ જિલ્લાના જન સેવા કેન્દ્ર ખાતે નગરજનોને જરૂરી દાખલાઓ સમયસર મળી રહે અને નગરજનોને જન સેવા કેન્દ્ર ખાતે પીવાના પાણીની, બેસવાની સુવિધા મળી રહે તે જોવા પણ જણાવ્યું હતું.


આમ, આણંદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એ આજે યોજેલી વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક ના અંતે અધિકારીઓને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો સાચા લાભાર્થીને સમયસર મળી રહે તે જોવા અનુરોધ કર્યો છે. 


આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટરશ્રી હિરેન બારોટ સહિત પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Advertisement