સેવા માત્ર શબ્દોમાં નહીં, પરંતુ સંવેદનાની સાથે જીવનમાં ઉતરે…
આ જ સંદેશ સાથે આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત વિશેષ સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના બે મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડીલો સાથે આત્મીય સંવાદ, જરૂરિયાતમંદોને જીવનજરૂરી સામગ્રીનું વિતરણ અને વૃક્ષારોપણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.
કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલ અને પ્રવાસન વિભાગના મંત્રી ડૉ. જયરામ ગામીત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગુરુવર્ય મોહનસ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને આધ્યાત્મિક અને સેવાભાવી માહોલ આપ્યો હતો.
આ પ્રસંગે વડીલોને વોકિંગ સ્ટિક, સાડી અને ફળોનું વિતરણ કરાયું હતું, જ્યારે જરૂરિયાતમંદ લાભાર્થીઓને જીવનજરૂરી સામગ્રી અને સાધન-સહાય આપવામાં આવી હતી.
મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રનો વિકાસ થયો કહેવાય. ગોકુલધામ નારની સેવાકીય પ્રવૃત્તિઓને તેમણે સામાજિક સંવેદનાનું ઉદાહરણ ગણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદદાસજીએ સંસ્થાની સેવાયાત્રા અંગે માહિતી આપી હતી. શિક્ષણ, આરોગ્ય, વડીલોની સારસંભાળ અને દિવ્યાંગ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાઓ વિશે મહાનુભાવોને માહિતગાર કરાયા હતા.
આ કાર્યક્રમમાં સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, સમાજ સુરક્ષા વિભાગના અધિકારી મયંક ત્રિવેદી, સ્થાનિક અગ્રણીઓ, વડીલો, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘વિકસિત ભારત@2047’ના સંકલ્પ સાથે… છેવાડાના માનવી સુધી સેવા અને સહાય પહોંચાડવાનો આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ સંદેશ આપી ગયો.