આણંદ: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાજ્યના દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત દિવ્યાંગજનો પાસેથી મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વિગતવાર માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે જેની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે અને ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આમાં અરજી કરી શકશે.
હલન-ચલનની દિવ્યાંગતા (લોકોમોટર ડિસેબિલિટી) અથવા મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ( ફક્ત આ ત્રણ પ્રકારની દિવ્યાંગતા સાથે) ધરાવતા દિવ્યાંગોને જોયસ્ટીક વ્હિલચેર આપવા માટે ઓનલાઇન https://esamajkalyas.gujarat.gov.in/ પર અરજીઓ મંગાવવામા આવી રહી છે.
અરજી મળ્યા બાદ લાભાર્થીની શારીરિક પાત્રતાનું એસેસમેન્ટ (ચકાસણી) કરવામાં આવશે. જો નિર્ધારિત લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ મળશે, તો વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને અગ્રિમતા આપીને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પદ્ધતિ દ્વારા પસંદગી કરવામાં આવશે.
આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મળવાપાત્ર છે. અગાઉ આ યોજના હેઠળ ટ્રાઈસીકલ કે વ્હિલચેર મેળવેલ હશે તો ફરીથી લાભ મળશે નહીં. તેમજ બંનેમાંથી કોઈ પણ એક જ સાધન સહાય પેટે આપવામાં આવશે.
આ ઓનલાઇન પોર્ટલ તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રહેશે.
આ યોજના અંગે વધુ વિગતો માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ભોંયતળીયે, જૂની કલેક્ટર કચેરી, સર્કિટ હાઉસની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ ખાતે રૂબરૂમાં અથવા કચેરીના ટેલિફોન નંબર (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.