આણંદ: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશાનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૬મી મે, ૨૦૨૬ના રોજ આણંદ જિલ્લામાં 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' (National Dengue Day) ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલના સુચારુ આયોજન દ્વારા જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન હેલ્થ સેન્ટરોમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષની થીમ “જનસમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ: પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ” (Check, Clean and Cover) રાખવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ચોમાસા પૂર્વે માદા એડીસ ઇજિપ્ત મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગોને ફેલાતા અટકાવવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે ૧૬મી મે ના રોજ શ્રી બી. જી. પટેલ ફીઝીયોથેરાપી કોલેજ કેમ્પસ, આણંદ ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ. રાજેશ પટેલ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ રોગના નિયંત્રણ અને અટકાયત અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મચ્છરના જીવનચક્ર અને પોરાભક્ષક માછલીનું જીવંત પ્રદર્શન યોજાશે, જેમાં કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સફાઈ કામદારો સહિત અંદાજે ૨૦૦ જેટલા સભ્યોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં રેલીઓ, જૂથ ચર્ચા, શિબિરો, પત્રિકા વિતરણ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સઘન પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.