આણંદ જિલ્લામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ મતદારોના નામ કમી થવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. SIR દરમિયાન જિલ્લામાં અંદાજે 2.39 લાખ મતદારોનાં નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યાં હતાં. આ નિર્ણયને પગલે વિવિધ રાજકીય પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને કેટલાંક ગામોમાં 200થી 300 જેટલા મતદારોનાં નામ કમી થતાં આગામી ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોમાં ચિંતા જોવા મળી હતી.
આણંદ જિલ્લામાં અગાઉ 18,12,327 મતદારો નોંધાયેલા હતા. SIR પ્રક્રિયા દરમિયાન 15,73,254 મતદારોનાં ફોર્મ પરત મળ્યાં હતાં. જ્યારે બાકીના મતદારોના નામ વિવિધ કારણોસર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હતાં. જોકે, અનેક મતદારોનાં નામ ખોટી રીતે કમી થયાં હોવાના આક્ષેપો બાદ હવે ફરીથી નામ ઉમેરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકીય પક્ષોના દબાણ બાદ 1.10 લાખથી વધુ મતદારોનાં નામ પુનઃ દાખલ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
હાલમાં આણંદ જિલ્લામાં 1,750થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા મતદારોની ચકાસણી અને નામ પુનઃ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનાથી શિક્ષકો સહિતના BLO આ કામગીરીમાં જોડાયેલા છે. જોકે, મતદારોનો સંપર્ક કરવો, જરૂરી દસ્તાવેજો મેળવવા અને મતદાર યાદીમાં યોગ્ય વિધાનસભા વિસ્તાર પસંદ કરાવવો જેવી બાબતોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થળાંતર થયેલા 97 હજારથી વધુ મતદારોની ચકાસણી પડકારરૂપ
SIR દરમિયાન અન્ય વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર થયેલા 97,456 મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં હતાં. આ પૈકી અંદાજે 45 હજાર જેટલા મતદારોનાં નામ ખોટી રીતે દૂર થયાં હોવાના આક્ષેપો થયા હતા. કેટલાક કિસ્સાઓમાં એક જ નામ ધરાવતા અલગ-અલગ વ્યક્તિઓને એક જ મતદાર માનીને નામ કમી કરાયાં હોવાની ફરિયાદો પણ સામે આવી હતી.
હવે BLO દ્વારા આવા મતદારોનો સંપર્ક કરીને તેઓ કયા વિધાનસભા વિસ્તારમાં મતદાર તરીકે નામ રાખવા માગે છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. જરૂરી પુરાવા સાથે નામ પુનઃ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક વિધાનસભા વિસ્તારમાં જ અંદાજે 8 હજાર જેટલા મતદારોનાં નામ કમી થયાં હોવાથી આ કામગીરી વધુ જટિલ બની છે.
સરનામાનો પુરાવો ન હોય તો તલાટીનો દાખલો બનશે આધાર
આણંદ જિલ્લામાં સરનામું ન મળવા અથવા BLOની વારંવાર મુલાકાત દરમિયાન ઘરે હાજર ન હોવાના કારણે 44,187 મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં હતાં. હવે જ્યારે BLO ફરીથી આ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે ત્યારે કેટલાક મતદારો પાસે જન્મનો દાખલો કે રહેઠાણનો પુરાવો ઉપલબ્ધ ન હોવાનું સામે આવી રહ્યું છે.
આવી સ્થિતિમાં મતદારોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે જે તે ગામના તલાટી દ્વારા આપવામાં આવતો રહેઠાણનો દાખલો આધાર તરીકે સ્વીકારીને નામ પુનઃ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે. બીજી તરફ, બે જગ્યાએ નામ નોંધાયેલા હોવાની શંકાના આધારે કમી થયેલા મતદારોની ચકાસણી પણ BLO માટે મોટો પડકાર બની રહી છે.
SIR દરમિયાન કયા કારણોસર નામ કમી થયાં?
આણંદ જિલ્લામાં SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કમી થવા પાછળ અલગ-અલગ કારણો સામે આવ્યાં હતાં.
અગાઉના મતદારોની સંખ્યા: 18,12,327
પરત મળેલાં ફોર્મ: 15,73,254
અન્યત્ર સ્થળાંતરિત મતદારો: 97,456
મૃત્યુ પામેલા મતદારો: 69,553
ત્રણ વખત મુલાકાત છતાં ન મળેલા મતદારો: 44,187
બે જગ્યાએ નામ નોંધાયેલાં હોવાથી કમી થયેલા: 18,619
BLO પાસે ફોર્મ જમા ન કરાવનાર મતદારો: 9,284
આમ, SIR પ્રક્રિયા બાદ કમી થયેલાં નામોને ફરી મતદાર યાદીમાં સામેલ કરવાની કામગીરીએ વેગ પકડ્યો છે. જોકે, આગામી ચૂંટણીઓ પહેલાં આ કામગીરી કેટલી સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને કેટલા મતદારોનાં નામ પુનઃ દાખલ થાય છે તેના પર સૌની નજર રહેશે.