આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કાર્યવાહી કરવા માટે એલસીબી (LCB) અને એસઓજી (SOG) પોલીસની ટીમોએ મોડી રાત્રે સંયુક્ત મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, "ઓપરેશન ડેલ્ટા હંટ" અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા અને ચકાસણી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે આશરે 60 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. પોલીસ ટીમોએ વિવિધ સ્થળોએ તપાસ દરમિયાન કેટલાક લોકોને ઊંઘમાંથી જ ઝડપી લીધા હતા. હાલમાં તમામ લોકોના દસ્તાવેજો અને રહેઠાણ સંબંધિત વિગતોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશી ઘૂસણખોરો અને અન્ય શંકાસ્પદ તત્વોને શોધી કાઢવાના હેતુથી આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. પોલીસે ઝડપી પાડેલા ત્રણ શંકાસ્પદ લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
જિલ્લાભરમાં એકસાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શંકાસ્પદ તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.