આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગ્રાહકોના હિત માટે સઘન ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ અભિયાન અંતર્ગત કુલ ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની વિગતવાર ચકાસણી કરી મુદ્રાંકન કરવામાં આવ્યું, જેમાંથી રૂ. ૬૨.૩૯ લાખથી વધુની ફી વસૂલવામાં આવી.
તપાસ દરમિયાન આશરે ૧૨૩૧ વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી, જેમાંથી ૨૩૪ વેપારીઓ ‘લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯’ના નિયમોનો ભંગ કરતા ઝડપાયા. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂ. ૧૦.૫૮ લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં વજન-માપ સાધનો અને પેકેજ્ડ કોમોડિટીના કેસોનો સમાવેશ થાય છે.
તપાસમાં વજનમાં ઓછું આપવું, સાધનોનું સમયસર મુદ્રાંકન ન કરાવવું, પેકિંગ ઉપર કિંમતોમાં છેડછાડ કરવી અને જરૂરી નોંધણી ન કરાવવી જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવી. તંત્રએ ગ્રાહકોને અપીલ કરી છે કે આવી કોઈ ગેરરીતિ જણાય તો તેઓ તાત્કાલિક ટોલ-ફ્રી નંબર અથવા ઈ-મેઈલ મારફતે ફરિયાદ નોંધાવે.