આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં કુલ ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી અને મુદ્રાંકન કરીને રૂપિયા ૬૨,૩૯,૯૦૫ની ચકાસણી ફી વસુલ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા ૧૨૩૧ જેટલા વેપારી એકમોની ઓચિંતી તપાસ કરવામાં આવી, જેમાં ૨૩૪ વેપારીઓ સામે કાયદા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ કુલ રૂપિયા ૧૦,૫૮,૩૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાંથી ૭,૩૮,૩૦૦ રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમ કોર્ટ મારફતે વસુલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
તપાસ દરમિયાન વજનમાં ઓછું આપવું, વજન માપ સાધનોનું મુદ્રાંકન ન કરાવવું, પેકેજ્ડ વસ્તુઓ પર કિંમતમાં ગડબડ કરવી અને જરૂરી નોંધણી વગર વેચાણ કરવું જેવા ગુનાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગ્રાહકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવી ગેરરીતિ જણાય તો સંબંધિત કચેરી અથવા ટોલ ફ્રી નંબર પર જાણ કરવા આગળ આવે.