આણંદ જિલ્લામાં હવે પોલીસ વેરિફિકેશન વગર સિક્યુરિટી ગાર્ડની નોકરી નહીં! 🚨
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારાએ મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ, હવે જિલ્લાના તમામ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓ માટે તેમના સિક્યુરિટી ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યું છે અને 18 ઓગસ્ટ 2026થી 60 દિવસ સુધી અમલમાં રહેશે.
આણંદ જિલ્લામાં આવેલી ફેક્ટરીઓ, કેમિકલ એકમો, બેંકો, ATM, મોલ અને શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે કોઈપણ સિક્યુરિટી કર્મચારીને ફરજ પર મૂકતા પહેલાં તેનું બાયોડેટા, ફોટો અને જરૂરી વિગતો સાથે પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે.
સાથે જ સિક્યુરિટી એજન્સીઓએ તેમના તમામ સુરક્ષા કર્મચારીઓની વિગતો આણંદ પોલીસની S.O.G. શાખાને આપવી ફરજિયાત રહેશે.
અને જે સ્થળે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો હોય, તે સ્થળ અને સંબંધિત જવાનની માહિતી પણ પોલીસને આપવી પડશે.
⚠️ નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી!
જો કોઈ સિક્યુરિટી એજન્સી વેરિફિકેશન વગર ગાર્ડને ફરજ પર રાખશે અથવા જાહેરનામાનો ભંગ કરશે, તો ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એટલે હવે આણંદ જિલ્લામાં સુરક્ષા ગાર્ડ માત્ર યુનિફોર્મમાં નહીં... પરંતુ પોલીસ વેરિફિકેશન બાદ જ ફરજ પર જોવા મળશે!