રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે. તા. ૨૪/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓ દ્વારા આણંદ જિલ્લામાં મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, માનવબળ તેમજ ઉપલબ્ધ સંસાધનોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવા અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજી ચૂંટણી પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિદેશકે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે ચૂંટણી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે અને સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. સમગ્ર આયોજનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું સ્પષ્ટ થયું છે.