ચાર દિવસથી સફાઈ ખોરવાતાં અરજદારો અને કર્મચારીઓ પરેશાન, એજન્સી બદલવા વડી કચેરી પાસે મંજૂરી માગી
આણંદ: આણંદ જિલ્લા સેવા સદનમાં છેલ્લા ચાર દિવસથી સફાઈ કામગીરી ખોરવાતાં કચરાના ઢગલા અને ગટરના ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી. આ સ્થિતિને પગલે સરકારી કચેરીમાં વિવિધ કામો માટે આવતા અરજદારો તેમજ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આકસ્મિક મુલાકાત લઈને ગંદકી દૂર કરવા સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
કલેક્ટરની સૂચના બાદ જિલ્લા સ્ટેટ પીડબલ્યુડી વિભાગ હરકતમાં આવ્યો હતો અને સફાઈ કામગીરીમાં બેદરકારી તેમજ કામદારોના અનિયમિત પગારના મુદ્દે સફાઈ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ હાલની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને નવી એજન્સીની નિમણૂક કરવા વડી કચેરી પાસે મંજૂરી માગવામાં આવી છે.
બે મહિનાથી પગાર નહીં મળતાં સફાઈ કામદારો હડતાળ પર
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ જિલ્લા સેવા સદનની સફાઈની જવાબદારી વર્ષોથી અમદાવાદની એક એજન્સીને સોંપવામાં આવી છે. જિલ્લા સ્ટેટ પીડબલ્યુડી વિભાગને ગ્રાન્ટના અભાવે એજન્સીનાં બિલની સમયસર ચુકવણી થઈ શકી નહોતી. તેના પગલે એજન્સી સંચાલક દ્વારા આશરે 13 સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.
પગાર નહીં મળતાં સફાઈ કામદારોએ હડતાળ શરૂ કરી હતી. પરિણામે છેલ્લા ચાર દિવસથી સેવા સદનમાં નિયમિત સફાઈ બંધ રહેતાં કચરાના ઢગલા અને ગટરના ગંદા પાણીની સમસ્યા વકરી હતી. સરકારી કચેરીમાં ઊભી થયેલી આ સ્થિતિને કારણે અરજદારો અને કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
કલેક્ટરની મુલાકાત બાદ તંત્ર દોડતું થયું
સેવા સદનમાં ગંદકીની સ્થિતિની જાણ થતાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. સ્થળ પર ગંદકી જોઈ તેમણે પીડબલ્યુડી વિભાગના ઇજનેરને તાત્કાલિક સફાઈ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.
ત્યારબાદ સ્થાનિક કામદારોની મદદથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બે કૂતરાં મૃત હાલતમાં મળી આવતાં સરકારી કર્મચારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
એજન્સી બદલવા મંજૂરીની રાહ
આ સમગ્ર મામલે જિલ્લા સ્ટેટ પીડબલ્યુડી વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેષભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે જિલ્લા સેવા સદનમાં અમદાવાદની એજન્સી દ્વારા સફાઈ કરવામાં આવે છે. કામદારોના અનિયમિત પગાર અને સફાઈના અભાવને લઈને એજન્સીને નોટિસ આપવામાં આવી છે. હાલની એજન્સી રદ કરીને નવી એજન્સીની નિમણૂક કરવા વડી કચેરી પાસે મંજૂરી માગવામાં આવી છે.
હવે વડી કચેરીની મંજૂરી બાદ નવી એજન્સીની નિમણૂક અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, આ સમગ્ર ઘટનાએ સરકારી કચેરીમાં સ્વચ્છતા જાળવવા અને સફાઈ કામદારોને સમયસર પગાર ચૂકવવાની વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે.