આણંદ, 25 મે 2026: આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે રાજકીય ગરમાવો અને હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગઈકાલ સુધી જીતની ઉજવણીમાં વ્યસ્ત કોંગ્રેસને આજે મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટના હસ્તક્ષેપ બાદ આખરે જિલ્લા પંચાયત પર ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવ્યો છે. પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ વિજેતા બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
સમગ્ર મામલો ત્યારે ગરમાયો હતો જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રહેલી પ્રમુખપદની બેઠક માટે ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અપાયેલ જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. કોંગ્રેસે આ પ્રમાણપત્ર સામે વાંધો ઉઠાવતા ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત સરકારના નિયમોનો હવાલો આપી મયુરીબેનનું ઉમેદવારી ફોર્મ રદ કરી દીધું હતું. જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી બિનહરીફ જીતે તેવી સ્થિતિ સર્જાઈ હતી અને કોંગ્રેસ કાર્યકરોમાં જીતનો માહોલ છવાઈ ગયો હતો.
જોકે, ભાજપે આ નિર્ણય સામે તરત જ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરી અને ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ઉમેદવારી ફોર્મ માન્ય રાખવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. કોર્ટના આ ચુકાદા બાદ ફરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે પહેલેથી જ 33 સભ્યોનું સ્પષ્ટ બહુમતીબળ હતું. તેથી કોર્ટ તરફથી ઉમેદવારી માન્ય થતા જ મયુરીબેન પટેલનો વિજય લગભગ નિશ્ચિત બની ગયો હતો. આખરે આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રમુખપદ કબ્જે કરીને કોંગ્રેસના સત્તા મેળવવાના સપનાને મોટો ઝટકો આપ્યો છે.