આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનો વિવાદ હજુ કાનૂની ગૂંચમાં છે

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનો વિવાદ હજુ કાનૂની ગૂંચમાં છે

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનો વિવાદ હજુ કાનૂની ગૂંચમાં છે, ત્યારે બીજી તરફ સોમવારે મળેલી ખાસ સામાન્ય સભા પણ વિપક્ષના હોબાળાથી ગરમાઈ ગઈ!

છેલ્લા બે મહિનાથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો મુદ્દો કોર્ટમાં અટવાયેલો છે. જેના કારણે સોમવારે ઇન્ચાર્જ પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી.

સભામાં જિલ્લા પંચાયતના લગભગ 20 જેટલા કામોને વિપક્ષના વિરોધ અને હોબાળા વચ્ચે બહુમતીથી મંજૂરી આપવામાં આવી.

જોકે, બેઠકમાં કેટલાક મહત્વના ઠરાવો ચર્ચાનું કેન્દ્ર બન્યા.

ખાસ કરીને સોજીત્રા તાલુકાના કાસોર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં તબદીલ કરવાનો ઠરાવ મુલતવી રાખવામાં આવ્યો.

કાસોરને નગરપાલિકામાં ફેરવવાના મુદ્દે ગ્રામજનો અગાઉથી જ વિરોધ નોંધાવી રહ્યા હતા. કારણ કે ગામની મોટી વસ્તી હોવા છતાં અહીંના મોટાભાગના લોકોનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે અને અનેક લોકો પરા વિસ્તારોમાં વસવાટ કરે છે.

ગ્રામજનોની મુખ્ય ચિંતા એ છે કે જો કાસોર નગરપાલિકા બને અને ત્યારબાદ DP અને TP યોજના અમલમાં આવે, તો વિકાસકામો માટે ખેડૂતોની જમીન કપાતમાં જવાની શક્યતા છે.

બીજી તરફ, ગ્રામજનો ખેતી પર નિર્ભર હોવાથી નગરપાલિકા બન્યા બાદ મિલકત વેરા સહિતના કરવેરાનું ભારણ વધવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિકાસના નામે આડેધડ ખોદકામથી પણ નુકસાન થવાની દહેશત ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આ વિરોધને પગલે ખાસ સામાન્ય સભામાં કાસોરને નગરપાલિકામાં તબદીલ કરવાનો ઠરાવ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે.

આ સાથે સભામાં 2022થી 2025 દરમિયાન રેતી, કંકલ અને ગ્રેવલ ગ્રાન્ટ હેઠળના કેટલાક કામો રદ કરીને વિવિધ વિસ્તારોમાં નવા કામોને મંજૂરી, તેમજ પેવર બ્લોક અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાના કામોને મંજૂરી આપવામાં આવી.

બોરસદ તાલુકાના નાપા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રને કુંડાકુવા ખાતે ખસેડવા અને ઉમરેઠ તાલુકાના સૈયદપુરામાં નવા પશુ દવાખાનાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.

જ્યારે જિલ્લા પંચાયતના વાર્ષિક હિસાબોને મંજૂરી આપવામાં આવી હોવાની સાથે, કાસોર નગરપાલિકા તબદીલીનો મુદ્દો હાલ અટક્યો છે.

એટલે હવે જોવાનું એ રહેશે કે કાસોરને નગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય આગળ કઈ દિશામાં જાય છે અને ગ્રામજનોનો વિરોધ કેટલો લાંબો ચાલે છે.