Advertisement

આમ આદમી પાર્ટીમાં મોટો ઉલટફેર: રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા, ડૉ. અશોક મિત્તલને સોંપાઈ જવાબદારી

આમ આદમી પાર્ટીમાં મોટો ઉલટફેર: રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા, ડૉ. અશોક મિત્તલને સોંપાઈ જવાબદારી

નવી દિલ્હી:આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભામાં પોતાના સંસદીય દળમાં મોટો ફેરફાર  કરતા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે અને તેમના સ્થાને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અને પંજાબથી સાંસદ ડૉ. અશોક કુમાર મિત્તલની નિમણૂક કરી છે. આ ફેરફાર અંગે પક્ષ દ્વારા રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર પણ મોકલી આપવામાં આવ્યો છે. રાઘવ ચઢ્ઢાને મહત્વના પદ પરથી દૂર કરાતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.


 છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢા પાર્ટીની મુખ્ય ગતિવિધિઓ અને ટોચના નેતાઓ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર મૌન સેવી રહ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. તાજેતરમાં જ્યારે એક્સાઈઝ પોલિસી કેસમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મોટી રાહત મળી, ત્યારે પણ રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી નહોતી કે સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તેમના આ વલણને પાર્ટી સાથે વધતા અંતરના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે, જેનું પરિણામ હવે પદ પરથી હટાવવા તરીકે સામે આવ્યું હોવાનું મનાય છે.


 રાજ્યસભામાં પાર્ટીના નવા ડેપ્યુટી લીડર બનેલા ડૉ. અશોક કુમાર મિત્તલ શિક્ષણ ક્ષેત્રના જાણીતા ચહેરો છે. તેમને વર્ષ 2022માં પંજાબ ક્વોટામાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. સંસદમાં કૃષિ અને શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓ પર તાર્કિક રજૂઆત કરવા માટે તેઓ જાણીતા છે. પાર્ટીના સૂત્રો મુજબ, અશોક મિત્તલની શાંત અને ગંભીર કાર્યશૈલી ઉપલા ગૃહમાં પક્ષના એજન્ડાને વધુ મજબૂત રીતે રજૂ કરવામાં મદદરૂપ થશે.


 આ ફેરફારને આમ આદમી પાર્ટીની નવી રાજકીય વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. રાઘવ ચઢ્ઢા જેવા આક્રમક નેતાના સ્થાને શિક્ષણવિદ મિત્તલને આગળ કરીને પાર્ટી સંસદમાં પોતાની છબી વધુ ગંભીર બનાવવા માંગતી હોય તેવું જણાય છે. જોકે, રાઘવ ચઢ્ઢાનું હવે આગામી પગલું શું હશે અને પાર્ટીમાં તેમની ભૂમિકા શું રહેશે, તે જોવું રસપ્રદ બની રહેશે.

Advertisement