Advertisement

આજથી વોટ્સએપના નવા નિયમો લાગુ: કરોડો યુઝર્સના એકાઉન્ટ થઈ શકે બંધ!

આજથી વોટ્સએપના નવા નિયમો લાગુ: કરોડો યુઝર્સના એકાઉન્ટ થઈ શકે બંધ!

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી કરોડો લોકોના વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ જશે. આની પાછળનું કારણ સરકારનો નવો નિયમ છે, જેનું નામ સિમ બાઈન્ડિંગ છે. તેના માટેની ડેડલાઈન 28 ફેબ્રુઆરી હતી અને તે હવે આજથી લાગુ થશે. નવો નિયમ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ પર પણ લાગુ થશે.


ભારતમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ 85.3 કરોડ વોટ્સએપ યુઝર્સ છે. આમાંથી ઘણા યુઝર્સ એવા છે જે વોટ્સએપના લિંક્ડ ડિવાઇસની મદદથી એકથી વધુ સ્માર્ટફોનમાં મેસેજિંગ એપ ચલાવે છે.


શું છે નવો 'સિમ-બાઈન્ડિંગ' (SIM-Binding) નિયમ?અત્યાર સુધી વોટ્સએપ કે ટેલિગ્રામ જેવા એપ્સમાં એકવાર OTP દ્વારા લોગિન કર્યા પછી, ફોનમાં સિમ કાર્ડ હોવું અનિવાર્ય નહોતું. પરંતુ આજથી આ સ્થિતિ બદલાઈ જશે. નવા નિયમ પ્રમાણે જે મોબાઈલ નંબર પર તમારું WhatsApp એકાઉન્ટ છે, તે સિમ કાર્ડ તમારા ફોનમાં એક્ટિવ હોવું જોઈએ. જો તમે ફોનમાંથી સિમ કાઢી નાખશો અથવા તમારો નંબર રિચાર્જ ન હોવાને કારણે બંધ થઈ જશે, તો તમારું વોટ્સએપ એકાઉન્ટ પણ કામ કરતું બંધ થઈ જશે.ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમ પર લગામ


સરકારના આ કડક વલણ પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી અને ફેક એકાઉન્ટ્સ પર રોક લગાવવાનું છે. આનાથી સાયબર સ્કેમર્સ પર પણ લગામ લાગશે. બીજી તરફ ડિજિટલ અરેસ્ટ જેવા કેસોમાં પણ ઘટાડો આવશે. જ્યારે દરેક એકાઉન્ટ વેરિફાઈડ અને એક્ટિવ સિમ સાથે જોડાયેલું હશે, ત્યારે સાયબર ગુનેગારોને પકડવા સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ 28 નવેમ્બર 2025ના રોજ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને કંપનીઓને સિસ્ટમ અપડેટ કરવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો, જેની મુદત હવે પૂર્ણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, UPI એપ્સમાં સિમ-બાઈન્ડિંગ નિયમ પહેલાથી જ લાગું છે.


ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે પણ નિયમો કડક


માત્ર મોબાઈલ જ નહીં, પણ જો તમે કોમ્પ્યુટર કે લેપટોપ પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરતા હશો, તો ત્યાં પણ દર 6 કલાકે 'ઓટો લોગ-આઉટ' નો નિયમ લાગુ થશે. એટલે કે દર 6 કલાકે તમારે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલશો અથવા સિમ બીજા ફોનમાં નાખશો, તો જૂના ડિવાઈસ પરથી તમારું એકાઉન્ટ તરત જ ઇન-એક્ટિવ થઈ જશે.


વોટ્સએપનું ગ્લોબલ લોગઈન મોડલ શું છે?


વોટ્સએપ વાસ્તવમાં એક ગ્લોબલ એપ છે અને તેમાં વેરિફિકેશન માટે એક ગ્લોબલ મોડેલનો ઉપયોગ થાય છે. આ મોડેલનું નામ વેરિફાઈ વન્સ છે. આનો અર્થ એ કે યુઝર્સે એક વાર OTPથી વેરિફાઈ કરવાનું રહે છે, ત્યારબાદ સ્માર્ટફોનમાં સિમ કાર્ડ ન હોય તો પણ વોટ્સએપ ચાલુ રહે છે. હવે, ભારતમાં બાઈન્ડિંગ નિયમ બાદ વોટ્સએપ આવું ન કરી શકશે.

Advertisement