આજથી ગુજરાતભરમાં શરૂ થશે વસ્તી ગણતરી-2027નો પ્રથમ તબક્કો, પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે જનગણના

આજથી ગુજરાતભરમાં શરૂ થશે વસ્તી ગણતરી-2027નો પ્રથમ તબક્કો, પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે જનગણના

ગાંધીનગર: રાજ્યભરમાં આજે 1 જૂનથી ‘વસ્તી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો સત્તાવાર પ્રારંભ થયો છે. દેશની આ 16મી અને સ્વતંત્રતા પછીની 8મી જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે શરૂ થયેલા આ અભિયાનમાં રાજ્યના તમામ નાગરિકોને સક્રિય સહભાગી બનવા માટે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ અનુરોધ કર્યો છે.


આજથી 30 જૂન, 2026 સુધી ચાલનારા પ્રથમ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે. આ દરમિયાન ગણતરીદારો દ્વારા રહેઠાણની સ્થિતિ, પરિવારની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિત કુલ 33 મુદ્દાઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. રાજ્યભરમાં આ કામગીરી માટે 1.10 લાખથી વધુ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે.


જનગણનાનો બીજો તબક્કો 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે, જેમાં વસ્તીની ગણતરી સાથે પ્રથમવાર વ્યાપક સ્તરે જાતિ ગણતરીની કામગીરી પણ હાથ ધરાશે. આ તબક્કામાં દેશની કુલ વસ્તી અંગેની મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવશે.


ગુજરાતમાં 17 મે, 2026થી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને પણ નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ સ્વ-ગણતરી ફોર્મ ભરીને અભિયાનમાં ભાગ લીધો છે. 30 મે, 2026 સુધીમાં રાજ્યમાં 3.74 લાખથી વધુ લોકોએ સ્વ-ગણતરી માટે નોંધણી કરાવી છે, જેમાંથી 3.30 લાખથી વધુ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.


આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ અને iOS એપ્લિકેશન દ્વારા ગુજરાતી સહિત 16 ભાષાઓમાં માહિતી નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત ઇન્ટરનેટ વગર પણ ડેટા એકત્રિત કરી શકાય તેવી ઓફલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે.


સરકારે સ્પષ્ટ કર્યું છે કે જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ વ્યક્તિગત માહિતી જનગણના અધિનિયમ-1948 અને જનગણના નિયમો-1990 હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કોઈપણ કાનૂની, વહીવટી કે કરવેરા સંબંધિત હેતુ માટે કરવામાં આવશે નહીં. સાથે જ દરેક નાગરિક માટે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી કાયદેસર રીતે ફરજિયાત છે.


જનગણના અંગે વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે નાગરિકો ભારત સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ગુજરાત જનગણના કાર્ય નિર્દેશાલયે તમામ નાગરિકોને આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે.