રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાનું આયોજન છે.રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹1278 કરોડની જોગવાઇ સૂચવું છું.
આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે : કનુ દેસાઈ