વિધાનગર શહેરના નાણાબજાર વિસ્તારમાં આવેલા નીલકંઠ ઇન્સ્ટેટ કોમ્પલેક્ષમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ સામે આવેલ ‘દેસી ફિરંગી’ રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાની ઘટનાની જાણ થતા જ વિધાનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ સ્થળ પર પહોંચી તુરંત પરિસ્થિતિની તપાસ કરી ઝડપી કાર્યવાહી સાથે આગ પર કાબુ મેળવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી ‘દેસી ફિરંગી’ રેસ્ટોરન્ટ બંધ છે અને માત્ર ઓફિસ કાર્યરત હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને મોટી નુકસાનની ઘટના ટળી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે રેસ્ટોરન્ટના આંતરિક ભાગમાં આંશિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આગની ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આગ પર કાબુ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.