Advertisement

"આ વિષય હિન્દુત્વનો છે, તમે વચ્ચે ના પડો" નડિયાદમાં ગૌવંશના અવશેષો મળતા ઉગ્ર બોલાચાલી, પંથકમાં તંગદિલી

"આ વિષય હિન્દુત્વનો છે, તમે વચ્ચે ના પડો" નડિયાદમાં ગૌવંશના અવશેષો મળતા ઉગ્ર બોલાચાલી, પંથકમાં તંગદિલી

નડિયાદ શહેરના છાંટીયાવાડ વિસ્તારની લીમડી પાસે ગૌવંશના કપાયેલાં અવશેષો (ધડ અને પગ) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો તેમજ હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ગૌવંશ સાથે જોડાયેલી ઘટનાને પગલે ધાર્મિક લાગણી દુભાતાં વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.


ઘટનાને લઈ હિન્દુ ધર્મ સેનાના આગેવાન રાજનભાઈ ત્રિપાઠીએ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, શહેરના રહેણાંક વિસ્તારમાં ગૌવંશના અવશેષો મળવું અત્યંત ગંભીર બાબત છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક કૂતરો આ અવશેષોને ખેંચીને લાવતો જોવા મળ્યો છે. જોકે, કોઈ અજાણ્યા તત્વો દ્વારા ગૌવંશની હત્યા કરી અવશેષો ફેંકવામાં આવ્યા હોવાની મજબૂત આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.


રાજનભાઈએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં નડિયાદ શહેરમાં આ પ્રકારની આ નવમી ઘટના છે, જે શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે. ઘટનાની જાણ તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કરી તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અવશેષો ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે.


આ મામલે તપાસ દરમિયાન હિન્દુ ધર્મ સેનાના રાજનભાઈ ત્રિપાઠી અને સ્થાનિક વોર્ડના કાઉન્સિલર પરાગભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાઉન્સિલર પરાગભાઈએ સીસીટીવી ફૂટેજનો હવાલો આપતા કહ્યું હતું કે, “જ્યારે કૂતરો અવશેષ ખેંચીને લાવ્યો હોવાનું ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે, ત્યારે વાતને ખોટો વળાંક આપવાની જરૂર નથી.”


આ નિવેદન બાદ રાજનભાઈ ઉગ્ર બની ગયા હતા અને વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “આ વિષય હિન્દુત્વનો છે અને પોલીસ તપાસનો મુદ્દો છે, તમે વચ્ચે પડવાની જરૂર નથી, તમે તમારું કામ કરો.” જેના જવાબમાં કાઉન્સિલર પરાગભાઈએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “અમે અમારું કામ કરીએ જ છીએ, શું અમે તમને ફોન કર્યો હતો?”


બન્ને વચ્ચે જાહેરમાં થયેલી આ બોલાચાલીને કારણે ઘટનાસ્થળે હાજર લોકોમાં પણ ચર્ચા જોવા મળી હતી.

અંતમાં, હિન્દુ સંગઠનોએ પોલીસ તંત્રને માંગ કરી છે કે ગૌવંશ સાથેની આ ક્રૂર ઘટનામાં સંડોવાયેલા તત્વોને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેમજ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. સાથે જ સ્થાનિક રહીશોને અપીલ કરવામાં આવી છે કે, વિસ્તારમાં શંકાસ્પદ વાહનો, રિક્ષાઓ અથવા અજાણી અવરજવર અંગે સજાગ રહે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

Advertisement