Advertisement

આંકલાવમાં શરમજનક ઘટના: શારીરિક અસક્ષમ યુવતી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

આંકલાવમાં શરમજનક ઘટના: શારીરિક અસક્ષમ યુવતી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

 આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત યુવકે 21 વર્ષીય શારીરિક રીતે અસક્ષમ યુવતીની લાચારીનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આરોપી અજય પઢિયારએ મીઠી મીઠી વાતો કરીને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને આશરે સાડા ચાર મહિના પહેલાં તેને એકાંતમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે યુવતી ગર્ભવતી બની જતાં તેના શારીરિક ફેરફારો પરિવારજનોના ધ્યાનમાં આવ્યા. પરિવારજનો દ્વારા પૂછપરછ કરતા યુવતીએ પોતાની સાથે બનેલી આપવીતી જણાવી, જેમાં આરોપીના કૃત્યોનો ખુલાસો થયો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ ગઈ હતી.

પીડિતાના પરિવારજનોએ તાત્કાલિક આંકલાવ પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અજય પઢિયારની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement