આંકલાવમાં શિયાળનો આતંક! બે દિવસમાં પાંચ લોકો પર હુમલો, ગામમાં દહેશત
આંકલાવ તાલુકાના બીલપાડ મોરડી વિસ્તારમાં એક શિયાળા છેલ્લા બે દિવસથી ખેતરોમાં કામ કરવા આવતા કે રસ્તે પસાર થતાં લોકો પર હુમલો કરીને શરીરે ઇજાઓ પહોંચાડતી હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધીમાં શિયાળે 3 મહિલા અને બે બાળકો પર હુમલો કરીને ઇજા પહોંચાડી છે. જેને લઇને હવે ખેતરમાં કામ કરવા જતાં ગ્રામજનો ડર અનુભવી રહ્યાં છે. જે બાબતે વન વિભાગને જાણ કરીને તાત્કાલિક શિયાળને પકડવા માટે માંગ કરવામાં આવી છે આંકલાવ તાલુકાના બીલપાડ મોરડી વિસ્તારમાં અચાનક શિયાળના હુમલાને કારણે ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક ખેતમજૂરો ચાલીને જઈ રહ્યા હતા.
અચાનક આવેલા શિયાળે આ પાંચ નિર્દોષ લોકોને નિશાન બનાવી બચકા ભર્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને આંકલાવની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોના નામ રંજનબેન મનુભાઈ વણકર અંદરબેન ઇશ્વરભાઈ પઢીયાર કૈલાસ રમણ મકવાણા અજય જશવંત પરમાર સંદિપ ચીમનભાઈ વણકર ગ્રામ્ય વિસ્તારમાં સલામતીના પગલાંની જરૂરિયાત શિયાળ જેવા જંગલી પ્રાણીઓ સામાન્ય રીતે માનવ વસવાટથી દૂર રહે છે, પરંતુ ખોરાકની શોધમાં કે અન્ય કોઈ કારણોસર જ્યારે તેઓ રહેણાંક વિસ્તારમાં પ્રવેશે છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ બની શકે છે.
સ્થાનિક વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા આ વિસ્તારમાં શિયાળની હિલચાલ પર નજર રાખવા અને લોકોને જાગૃત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવી શકાય અને લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.