આંકલાવમાં નગરપાલિકાનું રાત્રિ ચેકિંગ: ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં તપાસ, 10થી વધુને દંડ

આંકલાવમાં નગરપાલિકાનું રાત્રિ ચેકિંગ: ખાણીપીણીની લારીઓ અને હોટલોમાં તપાસ, 10થી વધુને દંડ

આંકલાવ: શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનું પાલન થાય તે માટે આંકલાવ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાની ટીમે વિવિધ ખાણીપીણીની લારીઓ તેમજ વેજ અને નોનવેજ હોટલોમાં પહોંચી સ્થળ પરની વ્યવસ્થાઓની તપાસ કરી હતી.

ચીફ ઓફિસર આઈ.જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ચેકિંગ દરમિયાન ખાદ્યપદાર્થો વેચાતી જગ્યાઓ પર સ્વચ્છતા જળવાય છે કે નહીં, કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે કે નહીં તેમજ હોટલ અને લારીઓની આસપાસ ગંદકી તો નથી ને તે અંગે તપાસ કરવામાં આવી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી

ચેકિંગ દરમિયાન સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન ન કરતા સંચાલકો સામે નગરપાલિકાએ દંડાત્મક કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ 10થી વધુ લારી અને હોટલ સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

નગરપાલિકાની ટીમ અચાનક ચેકિંગ માટે પહોંચી જતા કેટલાક સંચાલકોમાં દોડધામ પણ જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી નિયમોનું પાલન કરવા તાકીદ કરી હતી.

સ્વચ્છતા જાળવવા કડક સૂચના

નગરપાલિકા દ્વારા ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ ખાદ્યપદાર્થોની સ્વચ્છતા અને હાઇજિન જાળવવા સૂચના આપવામાં આવી છે.

નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન થાય તે માટે આગામી દિવસોમાં પણ રાત્રિ દરમિયાન અચાનક ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સંચાલકો સામે નિયમ મુજબ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.