આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા પ્રોહીબીશન વિરોધી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ ૩૩૬ બોટલો (કિંમત રૂ. ૭૦,૦૮૦)નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણીના સૂચનાનુસાર, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોહીબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર શ્રી સી.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. જાલમસિંહ મસુરસિંહને મળેલી બાતમીના આધારે કોસીંદ્રા ગામે સુંદર તળાવડી નજીક કેનાલ પાસે આવેલ કેળાના ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી દારૂ અને બીયરની પેટીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન મંગુબેન ભિખાભાઈ લાલજીભાઈ તળપદા નામની મહિલા આરોપી મળી આવી ન હોવાથી તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
આ કેસમાં તમામ મુદ્દામાલ કબ્જે કરીને આંકલાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.